(મોટાભાગના બિન-મુસ્લિમો માટે મુસ્લિમ સમાજની સંરચના અને તેની વાસ્તવિકતા હંમેશાં રહસ્ય જ રહે છે. જોકે, છેલ્લા થોડા દાયકામાં મુસ્લિમ મહિલાઓ સહિત અનેક મુસ્લિમ વિદ્વાનોએ વિવિધ રીતે આ બધી બાબતોને ઉજાગર કરી છે. આવી જ કેટલીક વિદ્વાન મુસ્લિમ મહિલાઓએ પોતાના સમાજ વિશે લખેલી વાતોને આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે. પુસ્તકના લેખિકા-સંપાદક શ્રૃતિબેન આણેરાવ છે. તેમના પુસ્તકની સમીક્ષા વિરેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવી છે.)
બિન-મુસ્લિમ દેશોના ઘણાં ઉચ્ચ-ભદ્ર વર્તુળોમાં એવી પ્રચલિત માન્યતા છે કે “ઇસ્લામના સ્થાપક મોહમ્મદ તેમના સમયના એક પ્રગતિશીલ સુધારક હતા અને તેમણે આરબ મહિલાઓની સ્થિતિમાં સુધારો કર્યો હતો.”
શ્રુતિ આણેરાવ તેમના તાજેતરના પુસ્તક “Muslim Women: Through The Prism of Muslim Scholar માં મુસ્લિમ વિદ્વાનોના લેખિત મંતવ્યોના આધારે ઉપરોક્ત માન્યતાની સત્યતાની તપાસ કરે છે; પરંતુ આ લખાણો તદ્દન વિપરીત નિષ્કર્ષ તરફ દોરી જાય છે: ઇસ્લામ મહિલાઓને પુરુષો કરતાં જન્મજાત રીતે નિમ્ન ગણે છે, અને તેની આયાતોનો લાભ લઈને તેમની સાથે એવી રીતે દુર્વ્યવહાર, દમન અને શોષણ કરવામાં આવે છે જેની સામાન્ય રીતે બિન-મુસ્લિમો કલ્પના પણ કરી શકતા નથી.

આ તમામ વિદ્વાનો મુસ્લિમ માતા-પિતાને ત્યાં જન્મીને લગભગ સંપૂર્ણપણે મુસ્લિમ સમાજમાં રૂઢિગત ઇસ્લામિક પરંપરાઓ અનુસાર જ ઊછર્યા હતા. જ્યાં સુધી તેઓ પુખ્ત વયના ન થયા અને તેમની આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું હતું તેનાં ન્યાયીપણા અને માનવીયતા વિશે શંકા કરવા જેવું તેમને કાઈ લાગતું ન હતું, કેમ કે ત્યાં સુધી તેમના દ્રષ્ટિકોણ પર કોઈ બાહ્ય પ્રભાવ પડ્યો ન હતો. તેઓ ઇસ્લામ અને મુસ્લિમ સમાજ વિશેના સીધા અને પ્રત્યક્ષ અનુભવના આધારે જ તેમનાં લખાણ પ્રસ્તુત કરે છે.
બિન-મુસ્લિમો અને ખાસ કરીને હિંદુઓ માટે, મુસ્લિમો પર ધર્મનો જે પ્રબળ પ્રભાવ હોય છે તેને સમજવું લગભગ અશક્ય છે. ભારતીય પરંપરાગત પરિવારોમાં ધાર્મિક ગ્રંથો વ્યક્તિના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ હોય છે અને તે વ્યક્તિને તેની નૈતિક રીતે જીવન વ્યતીત કરવા માટે અને આધ્યાત્મિક શોધમાં માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. તેનાથી વિપરીત, ઇસ્લામમાં ધાર્મિક ગ્રંથો મનુષ્યના જીવનના દરેક પાસાને, પછી તે આધ્યાત્મિક હોય કે ભૌતિક તેને નિયંત્રિત કરવા અને તેના માટે આદેશો આપવા માટે હોય છે; આ બધું પરલોકમાં સ્વર્ગના શાશ્વત સુખ અને જો આજ્ઞાઓનું પાલન ન કરવામાં આવે તો નરકની અનંત પીડા મળવાની ખાતરી સાથે જોડાયેલું હોય છે.
કુરાન માત્ર ‘કટ્ટરપંથીઓ’ માટે જ નહીં પણ તમામ મુસ્લિમો માટે સ્વયં પયગંબરનો અનાદિ અને અપરિવર્તનીય શબ્દ ગણાય છે. તે સમગ્ર માનવજાત માટે તમામ સમય અને સ્થળોએ માન્ય છે; તેના વિચારો સંપૂર્ણ સત્ય છે અને ટીકાથી પર છે. તેના પર પ્રશ્ન ઉઠાવવો એટલે સ્વયં પયગંબરના શબ્દ પર પ્રશ્ન ઉઠાવવો અને તેથી તે ઈશ-નિંદા સમાન ગણાય છે. પ્રત્યેક મુસ્લિમનું કર્તવ્ય છે કે તે તેમાં શ્રદ્ધા રાખે અને તેના આદેશોનું પાલન કરે. આ બાબત મુસ્લિમ સમાજ પર ઉલેમાઓ (ધર્મગુરુઓ) ના પ્રભુત્વને સમજાવે છે, કારણ કે તેઓ કુરાનના અર્થઘટન કરનાર અને તેની પરંપરાના રક્ષક હોય છે.
કોઈપણ ધાર્મિક સિદ્ધાંત કે માન્યતા વિશેનો પ્રશ્ન અથવા સુધારણાની કોઈપણ વાતને તરત જ પયગંબર શબ્દ પર પ્રશ્ન ઉઠાવવાની દ્રષ્ટિથી જોવામાં આવે છે, જેનાં પરિણામો ભયાનક હોઈ શકે છે. વાસ્તવમાં, આઠમી સદીની શરૂઆતથી લઈને આજ સુધી, જેમણે પણ માત્ર પ્રશ્ન ઉઠાવ્યો છે તેવા ઘણા લોકોનું ભાગ્ય આવું જ રહ્યું છે. શ્રુતિ આણેરાવે આ પુસ્તકમાં આ પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કર્યું છે જે શૈક્ષણિક પરિપ્રેક્ષ્ય છે અને તેણે તે રીતે જ જોવું જોઈએ.
સીરિયન મહિલા ડૉક્ટર અને A God Who Hates પુસ્તકની લેખિકા વફા સુલતાન કહે છે કે મુસ્લિમો પોતાની સ્ત્રીઓ પ્રત્યે નફરત રાખે છે કારણ કે તેમનો અલ્લાહ પણ તેમ જ કરે છે. અલેપ્પો યુનિવર્સિટીમાં મેડિકલની વિદ્યાર્થિની તરીકેના અભ્યાસ દરમિયાન વફા તેમના ભાઈના મિત્ર અહમદ અને હુદાના પરિવાર સાથે રહેતી હતી. તેમના અભ્યાસ દરમ્યાન અને ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસના અનુભવો સ્ત્રીઓ પ્રત્યે તેમના જીવનસાથીની ભારોભાર ઉપેક્ષા અને ઘાતકી વર્તન વર્ણવે છે. આ પુસ્તકમાં આયાન હિરસી અલી, યાસ્મીન મોહમ્મદ, તસ્લીમા નસરીન, તેહમીના દુર્રાની, શાંતિ માટે નોબેલ પુરસ્કાર વિજેતા-મલાલા તેમજ ઈરાનના રાજદૂત માજીદ રફીજાદેહ અને ઈબ્ન વરાક જેવા ઇસ્લામિક વિદ્વાનોના મંતવ્યોને તેમના પુસ્તકોમાંથી ઉદ્ઘૃત કરે છે.
પુસ્તક શું કહે છે?
નોંધપાત્ર વાત એ છે કે, અત્યાચાર આચરનાર દરેક વ્યક્તિએ કુરાનમાં અલ્લાહના આદેશો અને હદીસોમાં પયગંબરના ઉપદેશો તથા આચરણનો હવાલો આપીને તે કૃત્યોને યોગ્ય ઠેરવ્યા હતા. વિશ્વના આ ભાગની ઘણી નારીવાદીઓની જેમ વફા સુલતાન અને અયાન હિરસી અલીએ પણ શરૂઆતમાં આ માનસિકતા અને વર્તનને ઇસ્લામ તથા પયગંબરના ઉપદેશોના ખોટા અર્થઘટનનું પરિણામ ગણાવ્યું હતું. જોકે, જ્યારે તેમણે અધિકૃત અનુવાદો દ્વારા મૂળ સ્ત્રોતોમાંથી ઇસ્લામ વિશે જાણકારી મેળવી ત્યારે તેમણે પોતાનો અભિપ્રાય બદલવો પડ્યો હતો.
રસ ધરાવતા લોકોએ આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ. ( https://amzn.in/d/02J3LDG1 )


