નવી દિલ્હી, 22 ઓક્ટોબર 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે જણાવ્યું હતું કે, સંસ્થાનવાદી યુગના ત્રણ ફોજદારી કાયદાઓના સ્થાને ‘ભારતીય ન્યાય સંહિતા’, ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ અને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’નો અમલ એ દેશમાં કાયદાકીય સુધારાઓની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવી દિલ્હીમાં ‘સહકારી સંઘવાદ અને કાયદાકીય સુધારાઓ: રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય પરિપ્રેક્ષ્ય’ વિષય પર આયોજિત એક રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારે છેલ્લાં બાર વર્ષોમાં 1,700થી વધુ અપ્રચલિત અને બિનજરૂરી કાયદાઓ રદ કરીને કાનૂની માળખાને સરળ અને આધુનિક બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પરામર્શ, શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન અને જૂના કાયદાઓની સમીક્ષા એવા કાયદા ઘડવામાં મદદરૂપ થઈ શકે છે, જે રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને આગળ વધારવાની સાથે સ્થાનિક જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય. ‘ટીમ ઈન્ડિયા’ની ભાવના પર ભાર મૂકતા, ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ પરામર્શ, સંકલન અને સહિયારી જવાબદારીની હિમાયત કરી હતી. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે વ્યાપક જનહિતના માર્ગમાં રાજકીય મતભેદો ક્યારેય અવરોધરૂપ ન બનવા જોઈએ.
સહકારી સંઘવાદના મહત્વ પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બંધારણ સંઘની સત્તાઓ અને રાજ્યોની બંધારણીય જવાબદારીઓ તથા તેમની વાજબી સ્વાયત્તતા વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સરકારો દ્વારા કરવામાં આવતા સહયોગી કાર્યોમાં રાજકીય મતભેદો અવરોધરૂપ ન બનવા જોઈએ. શ્રી રાધાકૃષ્ણને આશા વ્યક્ત કરી હતી કે આ પરિષદમાંથી નક્કર અને વ્યવહારુ સૂચનો પ્રાપ્ત થશે.
ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત @ 2047’ (Viksit Bharat@2047) ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યાપક કાનૂની સુધારાઓની આવશ્યકતા છે, જેમાં મજબૂત કાયદાઓ, પારદર્શક સંસ્થાઓ, કાર્યક્ષમ વહીવટ અને સૌને માટે સુલભ ન્યાય વ્યવસ્થાનો સમાવેશ થાય છે. સંસદમાં સ્થાપિત ‘સેંગોલ’ને ન્યાયપૂર્ણ સત્તા અને નૈતિક શાસનના પ્રતીક તરીકે ગણાવતા, રાધાકૃષ્ણને સુશાસન અને કાયદાના શાસનના પાલન અંગે તમિલ સંત-કવિ થિરુવલ્લુવરના શાશ્વત જ્ઞાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર સત્તાનો ઉપયોગ જ નહીં, પરંતુ સુશાસન એ જ કાયમી સફળતા અને સમૃદ્ધિનો આધાર છે.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા, કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં ભારત માત્ર વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે જ નહીં, પરંતુ ‘લોકતંત્રની જનની’ (mother of democracy) તરીકે પણ ઓળખાય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતના પ્રાચીન ગણરાજ્યો અને સામૂહિક વિચાર-વિમર્શની સમૃદ્ધ પરંપરાઓએ જનભાગીદારીને મજબૂત બનાવી છે. મેઘવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વારસો સતત સંવાદના મહત્વને ઉજાગર કરે છે ભલે પછી મતભેદો કેમ ન હોય જેમાં નિર્ણય લેવાની પ્રક્રિયાના કેન્દ્રસ્થાને હંમેશા જનકલ્યાણ રહે છે. તેમણે નોંધ્યું કે ભાષાઓ, સંસ્કૃતિઓ અને પ્રાદેશિક આકાંક્ષાઓની વિવિધતા હોવા છતાં, કાયદાના શાસન અને ન્યાય પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા રાષ્ટ્રને એકજૂટ રાખે છે. વધુમાં, મેઘવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ માટે જવાબદાર સંસ્થાઓ માત્ર વહીવટી એકમો જ નથી, પરંતુ રાષ્ટ્રની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં સક્રિય સહભાગીઓ પણ છે.
વધુ વાંચો: એશિયન પેરા ગેમ્સમાં શીતલ દેવી અને તોમન કુમારે જીત્યો ગોલ્ડ


