Homeગુજરાતીદેશ-વિદેશફ્રાન્સ હિંસા પર મેક્રોનનો ટ્રમ્પ પર પ્રહાર: AI થી ફેક વીડિયો બનાવી...

ફ્રાન્સ હિંસા પર મેક્રોનનો ટ્રમ્પ પર પ્રહાર: AI થી ફેક વીડિયો બનાવી ભ્રમ ફેલાવાયાનો આરોપ

પેરિસ, 22 ઓક્ટોબર 2026: ફ્રાન્સમાં મોંઘવારી અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચને લઈને થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને લૂંટફાટ વચ્ચે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વિદેશી નેતાઓ પર સણસણતો પ્રહાર કર્યો છે. મેક્રોને ગંભીર આરોપ લગાવ્યો છે કે કેટલાક વિદેશી નેતાઓ ફ્રાન્સની આંતરિક પરિસ્થિતિનો પોતાના રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ફેક વિઝ્યુઅલ બનાવીને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપમાં વધી રહેલી અશાંતિ માટે ગેરકાયદેસર ઇમિગ્રેશનને જવાબદાર ઠેરવતા ચેતવણી આપી હતી કે જો ફ્રાન્સ અને ઇટલી તેમની સરહદો પર નિયંત્રણ સખત નહીં કરે, તો અસ્થિરતા વધુ વધશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ફ્રાન્સ પર ઇમિગ્રન્ટ્સ અને ઇસ્લામિક જૂથોનો કબજો થઈ રહ્યો છે. ટ્રમ્પના આ દાવાને ‘સંપૂર્ણપણે ખોટો’ ગણાવીને ફગાવતા રાષ્ટ્રપતિ મેક્રોને જણાવ્યું હતું કે, વિદેશી નેતાઓની આવી ટિપ્પણીઓ માત્ર અસ્વીકાર્ય જ નહીં પરંતુ અત્યંત મૂર્ખામીભરી પણ છે. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું તેમનો ઈશારો ટ્રમ્પ તરફ છે, ત્યારે મેક્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હા, તેમાં તેઓ પણ સામેલ છે.”

  • એઆઈથી બનાવાયેલી ફેક તસવીરો અને વીડિયો દ્વારા પ્રોપેગંડા

મેક્રોને ખુલાસો કર્યો હતો કે પેરિસ અને અન્ય શહેરોમાં થયેલી ઘટનાઓ બાદ વિદેશોમાંથી ખોટી માહિતી ફેલાવવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર એઆઈની મદદથી એવી કાલ્પનિક તસવીરો અને વીડિયો વાયરલ કરવામાં આવ્યા, જે ઘટનાઓ વાસ્તવમાં ફ્રાન્સમાં ક્યારેય બની જ નહોતી. કેટલાક નેતાઓ, જેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, તેઓ આ એઆઈ જનરેટેડ કન્ટેન્ટને સાચું માનીને આગળ ધપાવી રહ્યા છે. ફ્રાન્સના અધિકારીઓ મુજબ, તાજેતરની હિંસા પાછળ કટ્ટરપંથી જૂથોનો હાથ છે, જ્યારે સામાન્ય નાગરિકોનું આંદોલન શિક્ષણ અને વધતી મોંઘવારી જેવા મૂળભૂત મુદ્દાઓને લઈને થઈ રહ્યું છે.

  • વિદેશ મંત્રાલય એક્શનમાં: ભ્રામક પ્રચાર રોકવા સ્પષ્ટતા કરાશે

દરમિયાન ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટે જણાવ્યું છે કે તેમનું મંત્રાલય સંબંધિત દેશોને જરૂરી વિગતો અને સ્પષ્ટતા મોકલશે જેથી કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી જૂઠી માહિતી પર લગામ લગાવી શકાય. પોતાના દેશની આલોચના કરનારાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ મેક્રોને ઉમેર્યું હતું કે, “જે લોકો હાલમાં આપણા દેશ વિશે ખરાબ બોલી રહ્યા છે, તેઓ ફ્રાન્સને પ્રેમ કરતા નથી. આવા લોકો ખરેખર ચિંતાજનક છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular