Homeગુજરાતીખોરાકદિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો બંગાળની આ ફેમસ મિઠાઈ, જાણો રેસીપી

દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો બંગાળની આ ફેમસ મિઠાઈ, જાણો રેસીપી

બંગાળનું નામ પડતાં જ સૌથી પહેલા ત્યાંની પ્રખ્યાત મીઠાઈઓ યાદ આવે છે. રસગુલ્લા, મિસ્ટી દોઈ અને સંદેશ જેવી મિઠાઈઓ સૌકોઈને ખૂબ જ પસંદ હોય છે. ખાસ કરીને ‘સંદેશ’ નો સ્વાદ એકદમ અદ્ભુત હોય છે. આ મીઠાઈ તાજા પનીર અને ખાંડ કે ગોળમાંથી બનાવવામાં આવે છે. જો તમને પણ બંગાળી મિઠાઈઓ ભાવતી હોય, તો આ વખતે ઘરે જ પરફેક્ટ સંદેશ બનાવી શકો છો. જાણી લો તેને બનાવવાની સરળ રીત.

  • જરૂરી સામગ્રી

1 લીટર ફૂલ ક્રીમ દૂધ
2 થી 3 મોટી ચમચી લીંબુનો રસ
4 થી 5 મોટી ચમચી દળેલી ખાંડ
અડધી નાની ચમચી એલચી પાવડર
ઝીણા સમારેલા પિસ્તા કે બદામ
જરૂરિયાત મુજબ પાણી

  • બનાવવાની રીત

સંદેશ બનાવવા માટે સૌથી મહત્વની ચીજ તાજું છેના છે. આ માટે એક વાસણમાં દૂધ ઉકાળી લો. દૂધ ઉકળવા લાગે એટલે ગેસની આંચધીમી કરી દો અને તેમાં થોડું-થોડું કરીને લીંબુનો રસ ઉમેરો અને હલાવતા રહો. થોડીવારમાં દૂધ ફાટી જશે અને પાણી અલગ થઈ જશે, ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે એક સાફ સૂતરાઉ કપડાની મદદથી ફાટેલા દૂધને ગાળી લો. છેના પર સાફ પાણી રેડો જેથી લીંબુની ખટાશ નીકળી જાય. હવે કપડાને બાંધીને થોડીવાર માટે લટકાવી રાખો જેથી વધારાનું પાણી નિતરી જાય. ધ્યાન રાખો કે છેના એકદમ સૂકું કે ખૂબ વધારે ભીનું ન હોવું જોઈએ. હવે તૈયાર થયેલા છેનાને એક થાળીમાં કાઢી લો. હાથની હથેળીથી તેને 3 થી 8 મિનિટ સુધી સારી રીતે મસળો, જેથી તેમાં રહેલી ગાંઠો મટી જાય અને તે એકદમ મુલાયમ થઈ જાય. છેના જેટલો સોફ્ટ હશે, સંદેશનું ટેચર તેટલું જ ઉત્તમ બનશે. હવે તેમાં દળેલી ખાંડ અને એલચી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો જેથી ખાંડ એકરસ થઈ જાય.

હવે એક નોન-સ્ટીક પેનમાં આ મિશ્રણ ઉમેરો. તેને ધીમી આંચ પર સતત હલાવતા રહીને ૩ થી ૫ મિનિટ સુધી પકાવો. ધ્યાન રાખો કે મિશ્રણ પેનમાં ચોંટે નહીં. જ્યારે છેના થોડું ઘટ્ટ થઈને એક જગ્યાએ ભેગું થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. મિશ્રણને વધુ પડતું ન પકાવો, નહીંતર સંદેશ સખત થઈ જશે. તેને એક પ્લેટમાં કાઢીને થોડું ઠંડું થવા દો. મિશ્રણ હળવું ઠંડું થાય એટલે હાથની મદદથી તેની નાની-નાની લોઈઓ બનાવી લો. તમે તેને ગોળ કે ચપટો આકાર આપી શકો છો. જો તમારી પાસે મીઠાઈના સાંચા હોય, તો તેની મદદથી તેને પરંપરાગત ડિઝાઇન પણ આપી શકો છો. અંતે તેના પર સમારેલા પિસ્તા કે બદામ મૂકીને સજાવો.

  • ઠંડુ કરીને સર્વ કરો

તૈયાર થયેલા ટેસ્ટી બંગાળી સંદેશને થોડા સમય માટે ફ્રિજમાં મૂકી દો, જેથી તે સારી રીતે સેટ થઈ જાય. ત્યારબાદ તેને ઠંડો-ઠંડો સર્વ કરો. તહેવાર હોય, મહેમાનો આવ્યા હોય કે કોઈ ખાસ અવસર, આ હોમમેઇડ તાજી મિઠાઈ સૌનું મન જીતી લેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular