Homeગુજરાતીટેકનોલોજીસાયબર ફ્રોડ મુદ્દે સુપ્રીમ કોર્ટનું અત્યંત આક્રમક વલણ, આરોપીઓની જામીન પર પણ...

સાયબર ફ્રોડ મુદ્દે સુપ્રીમ કોર્ટનું અત્યંત આક્રમક વલણ, આરોપીઓની જામીન પર પણ સખત ટિપ્પણી

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: દેશમાં ડિજિટલ અરેસ્ટના નામે લોકોની આખી જિંદગીની કમાણી લૂંટી લેતી સાયબર ગેંગ સામે સુપ્રીમ કોર્ટે અત્યંત આક્રમક અને આકરુ વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આવા સાયબર અપરાધોને ‘ડિજિટલ ડકેતી’ગણાવ્યા છે અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો તથા નિવૃત્ત કર્મચારીઓને નિશાન બનાવતી ઠગ ટોળકીઓ સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની પીઠે (જેમાં જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાનો સમાવેશ થાય છે) સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, કાયદામાં જોગવાઈ હોય તો આવા ક્રૂર અપરાધીઓને ટ્રાયલ પૂરી થાય તે પહેલાં જ સજા મળવી જોઈએ અને તેમને કોઈપણ અદાલતમાંથી જામીન ન મળવા જોઈએ.

સુનાવણી દરમિયાન કેરળના એર્નાકુલમના 81 વર્ષીય વૃદ્ધ સાથે થયેલી 1.90 કરોડ રૂપિયાની ઠગાઈનો માસૂમ કિસ્સો પણ સામે આવ્યો હતો. આ ઠગાઈની રકમ આરોપીઓના ‘મ્યુલ એકાઉન્ટ’માં જમા થઈ હતી. આ કેસના બે આરોપીઓ સામે દેશના 12 રાજ્યોમાં 35 જેટલા સાયબર ક્રાઈમના કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ આ તમામ કેસોને એકસાથે જોડવાની માંગ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીઓની સુવિધા માટે પીડિતો અને તપાસ એજન્સીઓના હિતોની બલિ ન ચડાવી શકાય.

  • બેન્કિંગ સિસ્ટમની ખામીઓ પર સવાલો

ડિજિટલ અરેસ્ટના વધતા જતા ખતરાની ગંભીરતા સરકારી આંકડાઓ પરથી પણ સ્પષ્ટ થાય છે. વર્ષ 2026 માં (જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન) દેશભરમાં ડિજિટલ અરેસ્ટની 21,900 થી વધુ ફરિયાદો નોંધાઈ છે, જેમાં 647 કરોડ રૂપિયાથી વધુની રકમ ઠગાઈ ચૂકી છે. આ અગાઉ વર્ષ 2024 માં 1,23,672 ફરિયાદો નોંધાઈ હતી અને આશરે 1,935 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હતી, જ્યારે વર્ષ 2025 માં 58,239 ફરિયાદો નોંધાઈ હતી જેમાં 1,211 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હતી.

સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડ રોકવા માટે બેન્કિંગ સિસ્ટમની 5 મોટી ખામીઓ અને જવાબદારીઓ પર ભાર મૂક્યો છે. જેમાં બેંક ખાતા ખોલતી વખતે કેવાયસીની કડક ચકાસણી, જૂના રેકોર્ડથી વિપરિત અચાનક મોટી રકમ ટ્રાન્સફર થાય ત્યારે તુરંત રોક, શંકાસ્પદ વ્યવહારો દેખાય ત્યારે બેંકો દ્વારા પોલીસને જાણ, અસામાન્ય ટ્રાન્ઝેક્શન મંજૂર કરતા પહેલા ખાતાધારકનું ફિઝિકલ વેરિફિકેશન અને બેંકની બેદરકારીના કારણે સાયબર ઠગાઈ થાય તો નાણાં પરત અપાવવાની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ડિજિટલ અરેસ્ટ એ સાયબર ઠગાઈનું એક સ્વરૂપ છે જેમાં ઠગો પોલીસ, સીબીઆઈ કે એજન્સીના અધિકારી બનીને વીડિયો કોલ પર ધાકધમકી આપે છે. ફોન કે વીડિયો કોલ પર ક્યારેય ડરીને નાણાં ટ્રાન્સફર ન કરો, બેંકની વિગતો, ઓટીપી કે પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો. જો કોઈ ફ્રોડનો ભોગ બને તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular