નવી દિલ્હી, 24 ઓક્ટોબર 2026: દિલ્હી મેટ્રોની હાઈ-સિક્યોરિટી ગણાતી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સરકારના કામકાજ સામે સવાલ ઉઠાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનની અંદર સરકારના કામકાજ પર સવાલ ઉઠાવતા બે શંકાસ્પદ પોસ્ટર મળી આવ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે કાયદેસરની એફઆઈઆર નોંધી છે. આ મામલો ‘દિલ્હી પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 2007’ અને ‘મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ, 2002’ ની કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, બ્લેક એન્ડ વ્હાઇટ રંગના આ પોસ્ટરોમાં દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા બદલાવોને લઈને નવ અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા. આ સિવાય પોસ્ટર પર એક ક્યૂઆર કોડ પણ છાપવામાં આવ્યો હતો, જેના માધ્યમથી લોકોને એક ઓનલાઈન ગ્રુપ સાથે જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ પોસ્ટરો જપ્ત કરી લીધા છે અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પણ આ મામેલની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એ4 સાઈઝના આ બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટરો પર “તમે તમારું જીવન જાતે બદલી શકો છો”, “વોટિંગ દ્વારા વિરોધ”, “જોડાણના અલગ-અલગ સ્વરૂપો”, “સામુદાયિક નિર્માણમાં સુધારો” અને “શું તમે અસંતુષ્ટ છો? તમે એકલા નથી” જેવા આકર્ષક અને સરકાર વિરોધી નારા લખવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને ભેદીને આ પોસ્ટર ટ્રેનની અંદર કેવી રીતે પહોંચ્યા તે મોટો સવાલ બન્યો છે.
એફઆઈઆર મુજબ, આ સમગ્ર મામલો ગત 20 ઓક્ટોબરના રોજ સામે આવ્યો હતો. એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર તૈનાત દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના ટ્રેન ઓપરેટર તરુણ ચૌધરી પોતાની ડ્યુટી પર હતા ત્યારે તેમની નજર આ પોસ્ટરો પર પડી હતી. તેઓ સાંજે આશરે 6:50 વાગ્યે નવી દિલ્હી સ્ટેશનથી રવાના થયા હતા અને ટ્રેન લગભગ 7:15 વાગ્યે પોતાની મંઝિલ પર પહોંચી હતી. અધિકારીઓની સૂચનાથી તેમણે આ પોસ્ટરો દ્વારકા સેક્ટર 21 ના સ્ટેશન કંટ્રોલરને સુપરિપોર્ટ કર્યા હતા, જેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
-
સ્પેશિયલ સેલ દ્વારા સઘન તપાસ શરૂ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કેબિનની અંદર ટ્રેનની તપાસ કરતી વખતે એક સીટ પર આ બે પોસ્ટર ચોંટાડેલા જોવા મળ્યા હતા. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને એ વાતની તપાસ શરૂ કરી દીધી છે કે આટલી કડક સુરક્ષા વચ્ચે મેટ્રો ટ્રેનની અંદર આ પોસ્ટર કોણે અને કેવી રીતે લગાવ્યા. આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મુંબઈ/દિલ્હીની સ્પેશિયલ એજન્સીઓ પણ કામે લાગી છે.


