Homeગુજરાતીદેશ-વિદેશમુંબઈમાંથી શંકાસ્પદ આતંકી ઝડપાયો: યુવાનોમાં કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરતો હતો

મુંબઈમાંથી શંકાસ્પદ આતંકી ઝડપાયો: યુવાનોમાં કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરતો હતો

મુંબઈ, 24 ઓક્ટોબર 2026: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મુંબઈના માહિમ વિસ્તારમાંથી ૩૩ વર્ષીય એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે, જેની ઉપર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની ગંભીર આશંકા છે. આરોપીની ઓળખ મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તર તરીકે થઈ છે. મહારાષ્ટ્ર એટીએસની કાલાચોકી યુનિટે ચોક્કસ બાતમીના આધારે માહિમ મેટ્રો સ્ટેશન પાસેથી આ રેડ પાડીને તેને ઝડપી લીધો હતો.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી હતી. તે રાપિડો રાઇડર અને ઇત્ર (સુગંધિત તેલ) વેચનાર તરીકે કામ કરવાની આડમાં યુવાનોમાં કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરતો હતો. એટીએસનો આરોપ છે કે તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સમાજમાં સાંપ્રદાયિક નફરત અને દેશ વિરોધી ભાવનાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસકર્તાઓને તેના મોબાઈલ ફોનમાંથી આ પ્રકારની દેશવિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલી શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી એક ટેલિગ્રામ ગ્રુપ ઓપરેટ કરતો હતો. તેના પર ગત 1 જૂનના રોજ તેણે જેશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરના ભડકાઉ ઓડિયો ભાષણો અપલોડ કર્યા હતા, જેમાં બાબરી મસ્જિદ અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સિવાય, તે ‘ઇબ્ન-એ-કાસિમ’ નામના પાકિસ્તાન-સમર્થિત એક કટ્ટરવાદી ટેલિગ્રામ ચેનલનો પણ સક્રિય સભ્ય હોવાનું એટીએસના દાવામાં સામે આવ્યું છે.

  • ગુજરાતના પાટણ મોડ્યુલ સાથે પણ કડીઓ જોડાયેલી

આ ધરપકડ એ ઘટનાના થોડા મહિના બાદ થઈ છે, જ્યારે ગત જુલાઈ મહિનામાં ગુજરાત એટીએસે જેશ-એ-મોહમ્મદના એક અન્ય આતંકી મોડ્યુલની તપાસ દરમિયાન પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખાડિયાલ ગામમાંથી પકડાયેલા આ આરોપીઓમાં બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અયૂબ કદીવાલા, મોહમ્મદ પાલનપુરી, શફિયા રઈસ મુફ્તી અને મોહમ્મદ હસન કરદિયાનો સમાવેશ થાય છે. આ અગાઉ પકડાયેલા 8 સભ્યોની પૂછપરછમાં આ નવું કડીઓ બહાર આવી હતી.

ગુજરાત કેસમાં સરકારી વકીલ પી.આર. દંતાનીએ અગાઉ અદાલતમાં ખુલાસો કર્યો હતો કે આ શંકાસ્પદોમાંથી એકે ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટીએસ હવે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે બોમ્બ બનાવવાનો કથિત સામાન ક્યાંથી આવ્યો હતો, તેને ક્યાં છુપાવવામાં આવ્યો હતો અને આતંકવાદી સંગઠનનું જેહાદી સાહિત્ય આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યું હતું. મુંબઈ અને ગુજરાત એટીએસ સંયુક્ત રીતે આ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા કામે લાગી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular