અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : 40 thousand kg of suspicious mawa seized in cold storage દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે મીઠાઈ બનાવવામાં હલકી કક્ષાના અને ભેળસેળયુક્ત માવાના ઉપયાગ સામે મ્યુનિના ફુડ વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા 40 હજાર કિલો જેટલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મીઠાઈ બનાવતી રાધિકા ફૂડ પ્રોડક્સ નામની કંપનીનો આ જથ્થો હોવાનું કહેવાય છે. ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ જગ્યાઓ ઉપર પણ ચેકિંગ હાથ ધર્યું છે. મીઠાઈ તેમજ ફરસાણ સહિતના નમુના લઈને પરીક્ષણ માટે મોકલી અપાયા છે.
શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી એમસીના ફૂડ વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા 40 હજાર કિલો જેટલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે જે જથ્થો સ્થગિત કર્યો છે, તેમાં એક્સપાયરી ડેટ અને બેચ નંબર લખેલો નહોતો. આ માવાનો જથ્થો ખાવા લાયક હતો કે નહીં એનું પરીક્ષણ કરવામાં આવશે. માવાનો રાધિકા ફૂડ પ્રોડક્ટ દ્વારા ઇન્ડિયન ડેઝર્ટ અને રજવાડી સ્વીટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
ફુડ વિભાગના અધિકારીના કહેવા મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં આશરે 60 અલગ-અલગ વિક્રેતાઓનો કુલ 1.02 લાખ કિલો જેટલો માવાનો જથ્થો સંગ્રહિત હતો. આ પૈકી અંદાજે 80 ટકા જથ્થો 15 મુખ્ય વિક્રેતાઓનો હતો. માવાની ગુણવત્તાની ચકાસણી કરવાના હેતુથી વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ માવાના કુલ 6 નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને તેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ નમુનાઓ જે તે વિક્રેતાઓની હાજરીમાં લેવાના થતા હોવાથી અન્ય વિક્રેતાઓના સેમ્પલ લેવાની કામગીરી વિક્રેતાઓની હાજરીમાં કરવામાં આવશે.


