Homerevoinewsઅરવલ્લી જિલ્લામાં દિવાળી આવતાં જ બાબુઓની કુંભકર્ણ નિદ્રા કેમ ઊડી?

અરવલ્લી જિલ્લામાં દિવાળી આવતાં જ બાબુઓની કુંભકર્ણ નિદ્રા કેમ ઊડી?

હેમંત પરમાર, અરવલ્લી
આસો મહિનો બેસે એટલે સામાન્ય માનવી પોતાના ઘરનો ખૂણે-ખૂણો સાફ કરવામાં પરોવાઈ જાય છે. આખા વર્ષ દરમિયાન જમા થયેલો કચરો, ધૂળ અને કરોળિયાના જાળાં સાફ કરીને ઘરમાં નવી ઊર્જા અને પવિત્રતા લાવવાનો આ મોટો અવસર છે. પરંતુ, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ઘરની આ સફાઈનો નિયમ આપણા સરકારી તંત્ર અને તેની આરામપસંદ કચેરીઓને પણ આટલો જ ચુસ્તપણે લાગુ પડતો હશે? દિવાળી નજીક આવતાં જ અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રમાં વર્ષોથી જામેલી સુસ્તીની ધૂળ અચાનક કેવી રીતે ખંખેરાઈ ગઈ? જે સરકારી બાબુઓ આખું વર્ષ મોડાસાની એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને ઘોર નિંદ્રા માણતા હતા, તેઓ અચાનક જિલ્લાના રસ્તાઓ, બજારો અને હાઈવે પર કેમ દોડતા થઈ ગયા છે?

શું આ ખરેખર અરવલ્લીની પ્રજા પ્રત્યેની જવાબદારી અને નિષ્ઠા છે, કે પછી તહેવારના નામે મા લક્ષ્મીની અઘોષિત કૃપા મેળવવાનો કોઈ પડદા પાછળનો ખેલ છે?

છેલ્લા કેટલાક દિવસોથી સમાચારપત્રો અને ટીવી સ્ક્રીન પર એક જ દ્રશ્યો છવાયેલા છે દરોડા, ચેકિંગ, સીલ અને દંડ. આરોગ્ય વિભાગને અચાનક યાદ આવ્યું છે કે બજારમાં નકલી માવો, ભેળસેળિયું ઘી અને ઝેરી મિઠાઈઓ વેચાઈ રહી છે. ફૂડ સેફ્ટી ઓફિસરો અચાનક દુકાનોમાં દોડતા થઈ ગયા છે. ખાણ-ખનીજ વિભાગને અચાનક રસ્તા પર ગેરકાયદે દોડતા ડમ્પરો અને ખનીજચોરી દેખાવા લાગી છે. આરટીઓ વિભાગ ચાર રસ્તે ઊભો રહીને વાહનોના કાગળિયાં અને દંડ ફટકારવામાં મશગૂલ બની ગયો છે. એટલું જ નહીં, એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પણ અચાનક હોટલો અને સંવેદનશીલ સ્થળોએ ત્રાટકવા લાગ્યું છે.

પરંતુ, જનતાના મનમાં ઉઠતો સૌથી મોટો સવાલ એ છે કે બધા વિભાગો પાછલા અગિયાર મહિના ક્યાં અદ્રશ્ય હતા?

શું ભેળસેળિયા વેપારીઓ માત્ર આસો મહિનામાં જ ઝેર પીરસે છે? શું બાકીના વર્ષ દરમિયાન માર્કેટમાં વેચાતું દૂધ, ઘી અને માવો અમૃત સમાન હોય છે? ખાણ-ખનીજની ચોરી કરતા માફિયાઓ શું આખું વર્ષ તપસ્યા કરતા હતા અને માત્ર દિવાળી પર જ ડમ્પરો દોડાવવા લાગ્યા? આરટીઓની આંખોમાંથી આખું વર્ષ ઓવરલોડ વાહનો અને નિયમભંગ કેમ ગાયબ રહે છે? જે અધિકારીઓ સામાન્ય દિવસોમાં અરજદારની સાદી અરજી પર સહી કરવા માટે અઠવાડિયા લગાડી દે છે, તેઓ દિવાળી ટાણે અચાનક સુપરમેન બનીને ફિલ્ડમાં કેમ દોડવા માંડે છે?

આ પ્રશ્નોના ઉત્તરો કોઈ જટિલ વિજ્ઞાન નથી, પરંતુ જાહેર ચોકે ચર્ચાતી કડવી વાસ્તવિકતા છે. લોકોના મુખે આજે એક જ ચર્ચા છે કે આ કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલા બાબુઓનો અંતરાત્મા જાગ્યો છે કે પછી તેમના પર માઁ લક્ષ્મીની કૃપા વરસાવવાની લાલસા જાગી છે?

સામાન્ય નાગરિક અને નાના-મોટા વેપારીઓ સારી રીતે જાણે છે કે દિવાળી એટલે માત્ર દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ સરકારી બાબુઓની બોનસની ઋતુ છે. દરોડાનો ખોફ બતાવીને, કાયદાની કલમોના ડર ઊભા કરીને આખરે શું મેળવવું છે? જ્યારે એક નાનો વેપારી આખું વર્ષ પરસેવો પાડીને તહેવારના બે દિવસ ચાર પૈસા કમાવાની આશા રાખતો હોય, ત્યારે જ તંત્રની તરાપ તેના પર કેમ પડે છે? “સાહેબને દિવાળી કરવી છે” આ એક વાક્ય પાછળ છુપાયેલી લાચારી, ભ્રષ્ટાચાર અને શોષણની પીડાને કયો કાયદો ન્યાય આપશે?

જો આ કાર્યવાહી સંપૂર્ણપણે પ્રમાણિક અને લોકહિતમાં હોય, તો પછી દિવાળીનો છેલ્લો દિવસ વીતતાં જ આ બધી સક્રિયતા ક્યાં ગાયબ થઈ જશે? ભાઈબીજ પછી આરોગ્ય વિભાગના દરોડા કેમ બંધ થઈ જાય છે? નવા વર્ષની શરૂઆત થતાં જ ખાણ-ખનીજ અને આરટીઓ કેમ પાછા પોતાના કમ્ફર્ટ ઝોનમાં સરી પડે છે? શું પ્રજાનું આરોગ્ય, સલામતી અને કાયદાનું પાલન માત્ર તહેવારો પૂરતું જ સીમિત છે?

સવાલ એ પણ થાય છે કે કાયદાના રક્ષકો જ જ્યારે મોસમી દરોડાનું મહોરું પહેરીને પ્રજાને પજવવા મેદાને પડે, ત્યારે સામાન્ય માનવીએ ન્યાયની આશા કોની પાસે રાખવી? શું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ આકાઓ આ સમગ્ર તમાશાથી અજાણ છે, કે પછી આ મોસમી વસૂલીની ગંગામાં છેક ઉપર સુધી હાથ ધોવાઈ રહ્યા છે?

દિવાળી જરૂર અંધકાર પર અજવાળાના વિજયનો મહોત્સવ છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં સરકારી બાબુઓ દ્વારા ભજવાતું આ વાર્ષિક નાટક ક્યારે બંધ થશે? સિસ્ટમ ક્યારે કાયમી ધોરણે સજાગ બનશે, કે પછી દર વર્ષે માત્ર લક્ષ્મીજીના સ્વાગત માટે જ આ કુંભકર્ણ નિદ્રા ઊડતી રહેશે? આ વેધક સવાલ આજે અરવલ્લીના એ દરેક નાગરિકના મનમાં ફરી રહ્યો છે, જે પ્રમાણિકપણે ટેક્સ ભરે છે અને બદલામાં માત્ર તંત્રની પ્રપંચી સક્રિયતા જોવા લાચાર બને છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular