Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં દાણીલીંબડા અને નવા વાડજમાં અકસ્માતના બનાવમાં બેનાં મોત

અમદાવાદમાં દાણીલીંબડા અને નવા વાડજમાં અકસ્માતના બનાવમાં બેનાં મોત

અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : Two killed in accident at Dani Limbda and Nava Vadaj શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ દાણીલીંમડા વિસ્તારમાં સર્જાયો હતો. દાણીલીમડામાં પીરાણા રોડ પર પૂરઝડપે આવેલા ડમ્પરચાલકે આગળ જતા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ નવા વાડજ વિસ્તારમાં બે બાઈક વચ્ચે સર્જાયો હતો. નવા વાડજના અખબારનગરથી ભાવસાર હોસ્ટેલ બીઆરટીએસ સ્ટેન્ડ નજીક રોંગ સાઇડમાં ધસી આવેલા બાઇક ચાલકે સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારતાં સારવાર દરમિયાન બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. બંને બનાવો અંગે ટ્રાફિક પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે, શહેરના  દાણીલીમડામાં શના મસ્જિદ સામે આવેલા ગુલાબનગરમાં રહેતા 30 વર્ષીય ઝુબેરઆલમ શેખ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. તેમનો નાનો ભાઈ 26 વર્ષીય અય્યુબઆલમ શેખ સુઝુકી બર્ગમેન સ્કૂટર લઈને ગણેશનગર ખાતે રેસ્ટોરન્ટ માટે કરિયાણું અને સામાન ખરીદવા નીકળ્યો હતો. અય્યુબઆલમ ખોડીયારનગરથી પીરાણા રોડ પર ગુલાબનગર નવજીવન ઓટો બોડી નામની દુકાન સામે પહોંચ્યો ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા ડમ્પરચાલકે તેના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ અય્યુબઆલમ રોડ પર નીચે પટકાયો હતો અને ડમ્પરનું તોતિંગ ટાયર તેના માથા તથા ચહેરાના ભાગે ફરી વળતાં ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પરચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ‘K’ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરાર ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા અજીયા કોમ્પ્લેક્સમાં રહેતા અને પીજી  હોસ્ટેલમાં નોકરી કરતા હિતેશ અહારી પોતાના મિત્ર નરેશ પ્રકાશભાઈ કોટેડ સાથે બાઇક પર રાણીપ ડી-માર્ટથી પરત ઘેર આવી રહ્યા હતા. અખબારનગર તરફથી ભાવસાર હોસ્ટેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પહેલાં અંકિત કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવેલા એક અજાણ્યા બાઇક ચાલકે હિતેશની બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી દીધી હતી. જેથી હિતેશ તથા તેમના મિત્ર નરેશ બાઇક પરથી નીચે પટકાતાં બંનેને શરીરે ઇજાઓ પહોંચી હતી. જ્યારે રોંગ સાઇડમાં બાઇક લઈને બેફામ રીતે ઘૂસેલા ચાલકને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ગંભીર ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ‘B’ ડિવિઝન ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન હંકારી અકસ્માત સર્જનાર મૃતક બાઇકચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular