Homeગુજરાતીગુજરાતસાણંદ તાલુકાના વિંછીંયા ગામે પિતાએ ભૂવો ન થાય તે માટે દીકરાની કરી...

સાણંદ તાલુકાના વિંછીંયા ગામે પિતાએ ભૂવો ન થાય તે માટે દીકરાની કરી હત્યા

અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : Father ‘murdered his son’ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામે ભૂવા તરીકે કાર્ય કરતા પિતાએ પોતાનો દીકરો ભૂવો ન થાય તે માટે 10 વર્ષના એકના એક દીકરાની હત્યા કરતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ હતી. પોતાના દીકરાની હત્યા થયાની જાણ થતાં પિયર ગયેલી હત્યારાની માતા વિંછીંયા ગામે પરત ફરી હતી. અને સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 સાણંદમાં તાલુકાના વિંછીયા ગામમાં રાતના સમયે પિતાએ માતાજીની દેરી આગળ દીકરાનું માથું પછાડીને હત્યા કરી કરતા ચકચાર મચી ગઈ હતી. દીકરાની હત્યા બાદ પિતા લાશ ખાટલામાં મૂકીને બાજુમાં જ સૂઈ ગયો હતો. આ અંગે જાણ થતા માતા ઘરે પહોંચી હતી.  આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે અંદાજે 7 વાગ્યે નરેશ અજમલ નામના શખસે પોતાના જ માસૂમ દીકરાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે પોતે ભુવો છે જ્યારે તેના પિતા અને દાદા પણ ભુવા હતા. મૃતક દીકરામાં પણ છેલ્લા એક વર્ષથી અવારનવાર ધૂણવા લાગવા જેવા લક્ષણો દેખાતા હતા. પોતાનો દીકરો ભૂવો ન બને એ માટે હત્યા કરી હોવાનું આરોપી રટણ કરી રહ્યો છે. આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ ત્યાં જ બેભાન થઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીની વિકૃત માનસિકતા સ્પષ્ટપણે છતી થઈ રહી છે, જેથી તેની માનસિક સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે હવે મનોચિકિત્સકની મદદ લઈને પૂછપરછ કરાશે. આ ઘટના બની તે સમયે ઘરમાં અન્ય કોણ-કોણ હાજર હતું તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

વિંછીયા ગામના ગ્રામજનોના કહેવા મુજબ ગામમાં 37 વર્ષીય ભારતી પટેલ તેમના પતિ નરેશ પટેલ અને એકના એક દીકરા કરણ સાથે રહેતા હતા. દસ દિવસ અગાઉ ભારતીબેનનો તેમના પતિ સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હતો. જેથી ભારતીબેન નરેશથી કંટાળીને પિયર જતા રહ્યા હતા. દીકરા કરણની પરીક્ષા હોવાથી તેને તેના પિતા નરેશ સાથે જ મૂકીને ગયા હતા.  દરમિયાન રવિવારે સાંજે ભારતીબેનને તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના દીકરા કરણને તેમના પતિ નરેશે લાકડી વડે માર માર્યો છે, જેથી ભારતીબેન તાત્કાલિક વિંછીયા ગામે જવા નીકળ્યા હતા. ભારતીબેન સાથે તેમના માતા, પિતા, ભાઈ અને ભાભી પણ આવ્યા હતા. ભારતીબેન રાતે 9 વાગ્યે ઘર પાસે પહોંચ્યા હતા. તેમના ઘરની પાસે જ જોગણીમાતાની દેરી આવેલી હતી. ભારતીબેન દેરી પાસે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં હતો. કરણની તપાસ કરતા તેનું મોત થયું હતું. બીજા ખાટલામાં કરણના પિતા અને ભારતીબેનના પતિ નરેશ સૂઈ રહ્યો હતો. નરેશના કપડાં પણ લોહીના ડાઘા હતા. ભારતીબેને નરેશને કરણના મોત અંગે પૂછ્યું ત્યારે નરેશે જણાવ્યું હતું કે, મારા પિતા માતાજીના ભૂવા હતા, તેમના પછી હું માતાજીનો ભૂવો થયો છું. હવે મારા પછી કોઈ આપણા ઘરમાં ભૂવો ન થાય તે માટે મેં આ કરણની માતાજીની દેરી આગળ બંને પગેથી પકડીને બેથી ત્રણ વખત પછાડી અને માથામાં લાકડી મારી હત્યા કરી છે. આ સાંભળતા જ ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular