Homeગુજરાતીદેશ-વિદેશદેશમાં અફરાતફરી ફેલાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, પીએમ મોદીનો વિપક્ષ ઉપર પ્રહાર

દેશમાં અફરાતફરી ફેલાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, પીએમ મોદીનો વિપક્ષ ઉપર પ્રહાર

પાલનપુર, 30 ઓક્ટોબર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધિત કરતા દેશના વિપક્ષો અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે આજે દેશનો પ્રત્યેક ખેડૂત અને યુવાન ‘વિકસિત ભારતના સંકલ્પ’ સાથે આગળ વધી રહ્યો છે, પરંતુ કેટલાક લોકોને આ પ્રગતિ આંખમાં ખૂંચી રહી છે અને તેઓ દેશને મુશ્કેલીમાં જોવા માંગે છે. આ લોકોનો મુખ્ય હેતુ દેશમાં અફરાતફરી ફેલાવીને ‘મોદી’ ને બદનામ કરવાનો છે.

ઈરાન અને ખાડી દેશોની આસપાસ તણાવના સમયનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આખો દેશ એકજુટ થઈને તેનો સામનો કરી રહ્યો હતો, ત્યારે કેટલાક તત્વો બજારમાં અફવાઓ ફેલાવી રહ્યા હતા. ખેડૂતોને ખાતરની અછતનો ડર બતાવવામાં આવ્યો હતો, પરંતુ સરકારે ક્યારેય દેશમાં ખાતરની કોઈ કમી થવા દીધી નથી. વડાપ્રધાને ખાતરની કિંમતો અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, દુનિયાના અન્ય દેશોમાં જે યુરિયાની બોરી 3000 રૂપિયામાં મળે છે, તે જ યુરિયા ભારતના ખેડૂતોને ૩૦૦ રૂપિયાથી પણ ઓછા ભાવમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, ડીએપીની કિંમત દુનિયામાં 5 હજાર રૂપિયાથી ઉપર ચાલી રહી છે, જ્યારે ભારતમાં તે માત્ર 1350 રૂપિયામાં આપવામાં આવી રહી છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે ભારતનો ઝડપી આર્થિક વિકાસ સમગ્ર વિશ્વ માટે એક નવી આશા સમાન બન્યો છે. તેમણે ભાવુક અંદાજમાં કહ્યું, “હું માત્ર બે જ બાબતો જાણતો હતો – જનસેવા એ જ રાષ્ટ્રસેવા અને ગુજરાતના વિકાસથી જ દેશનો વિકાસ. હું દેશ માટે જે કંઈ પણ કરી શક્યો છું, તેનો યશ દેશના તમામ નાગરિકોને જાય છે. આ માટે હું આપનો આજીવન ঋણી રહીશ અને મારા જીવનના અંતિમ ક્ષણ સુધી આપની સેવામાં સમર્પિત રહીશ.” આ ભાષણના અંતે વડાપ્રધાને દેશના યુવાનોને આગામી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનારી ‘રન ફોર યુનિટી’માં ભારે ઉત્સાહ સાથે ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular