અમદાવાદ, 07 નવેમ્બર,2026 : Drink and drive incident, driver hits Activa શહેરમાં ડ્રીક એન્ડ ડ્રાઈવને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ શહેરના નિકોલ વિસ્તારમાં દારૂના નશામાં કારચાલકે ત્રણને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે આવો જ અકસ્માતનો બીજો બનાવ શહેરના ડ્રાઈવ-ઈન રોડ પર ગુરૂકૂળ નજીક કારચાલકે દારૂના નશામાં એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો. અને કારમાં એક્ટિવા ભરાઈ જતા કારચાલકે એક્ટિવાને ઢસડીને ચાર રસ્તા સુધી લઈ ગયો હતો. દરમિયાન અન્ય વાહનચાલકો અને લોકોએ કારનો પીછો કરીને કારચાલકને થોભાવી કારચાલકને બહાર કાઢીને પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતના બનાવમાં સદભાગ્યે એક્ટિવાચાલકનો બચાવ થયો હતો.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે કારચાલક એક્સિસ બેંકના મેનેજર પીધેલી હાલતમાં કાર ચલાવી ગુરુકુળ પાસે એક્ટિવાને અડફેટે લઈ ગુરુકુળ રોડથી દુરદર્શન ચાર રસ્તા સુધી ઘસડીને લઈ ગયો હતો. સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી આરોપી બેંક મેનેજરની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ડ્રાઇવ-ઇન રોડ પર દારૂના નશામાં એક્સિસ બેંકના મેનેજર મીહિર નિરંજન શર્માએ બેફામ સ્પીડે કાર ચલાવી ગુરુકુળ રોડ પર એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. જોકે, એક્ટિવા કારના આગળના ભાગે ફસાઈ ગયું હતું અને કારચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ ભગાવી હતી. ગુરુકુળ રોડથી એક કિલોમીટર દૂર દુરદર્શન ચાર રસ્તા સુધી બેંક મેનેજર એક્ટિવાને ઘસેડીને લઈ ગયો હતો. આ સમયે સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને બહાર કાઢ્યો ત્યારે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તેની પાસેથી એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા મિહિર શર્મા વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂ રાખવા અંગેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.


