- ધનતેરસથી ભાઈબીજ સુધી AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું
- 19,500 મેટ્રિક ટનથી વધુ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થયો
અમદાવાદ, 12 નવેમ્બર, 2026 – sanitation workers of Ahmedabad – અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન નાગરિકો દ્વારા ફટાકડા ફોડીને ઉત્સાહભેર તહેવાર મનાવવામાં આવ્યો હતો. આ ઉજવણી બાદ શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો અને સોસાયટીઓની આસપાસ ફટાકડાના અવશેષો સહિત મોટા પ્રમાણમાં કચરો એકત્રિત થયો હતો. તહેવારના દિવસોમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કર્મચારીઓએ પોતાની રજાઓ અને તહેવારની ઉજવણીને પ્રાથમિકતા આપવાને બદલે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી નિભાવી હતી.
દિવાળીથી ભાઈબીજ સુધીના તહેવારના દિવસો દરમિયાન AMC દ્વારા શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન કુલ 19,500 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં દિવાળીના દિવસે 5,312 મેટ્રિક ટન, બેસતા વર્ષના દિવસે 5,160 મેટ્રિક ટન, પડતર દિવસે 4,583 મેટ્રિક ટન અને ભાઈબીજના દિવસે 4,445 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન નોંધાયેલા 12,980 મેટ્રિક ટન કચરાની સરખામણીએ ચાલુ વર્ષે કચરાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.
શહેરની સફાઈ વ્યવસ્થાને સુચારુ રાખવા સરેરાશ 9,500થી વધુ કાયમી સફાઈ મિત્રો અને 2,500થી વધુ RWA કામદારો ફરજ પર તૈનાત રહ્યા હતા. રાત્રિના સમયે વિશેષ સફાઈ કામગીરી માટે 2,000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત, લિટર પિકિંગ અને ફટાકડાના કચરાની સફાઈ માટે 150થી વધુ વિશેષ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માત્ર માનવબળ જ નહીં, પરંતુ આધુનિક મશીનરી અને કચરો એકત્રિત કરતાં વિશેષ વાહનોની મદદથી પણ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલી વિશેષ સફાઈ ઝુંબેશના પરિણામે નાગરિકોને સવારના સમયે સ્વચ્છ અને સુઘડ રસ્તાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું.
દિવાળીના પર્વ દરમિયાન જ્યારે નાગરિકો પરિવાર સાથે તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે અમદાવાદના સફાઈ કર્મચારીઓએ પોતાની ફરજને પ્રાથમિકતા આપીને શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સફાઈ સૈનિકોની નિષ્ઠા, સમર્પણ અને અવિરત સેવાથી શહેરની સ્વચ્છતા વ્યવસ્થા જળવાઈ રહી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં યોગદાન આપનાર તમામ સફાઈ કર્મચારીઓની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.








