Homeગુજરાતીગુજરાતગુજરાતભરમાં દિવાળીના તહેવારોને લીધે ફાયર વિભાગ સજ્જ, 24 કલાક ટીમો રહેશે સ્ટેન્ડબાય

ગુજરાતભરમાં દિવાળીના તહેવારોને લીધે ફાયર વિભાગ સજ્જ, 24 કલાક ટીમો રહેશે સ્ટેન્ડબાય

અમદાવાદ, 8 નવેમ્બર, 2026 : Fire department prepared for Diwali festivals across Gujarat દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ આગના બનાવો સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા વિશેષ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

તહેવારો દરમિયાન રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ફાયર ટેન્ડર અને જરૂરી સાધન-સામગ્રી સાથે કર્મચારીઓ ૨૪ કલાક ખડે પગે ફરજ બજાવશે.

 આ ઉપરાંત ડાયલ ૧૧૨ અને ૧૦૧  પ્રોજેક્ટ અંતર્ગત દિવાળીના તહેવારની જરૂરિયાતોને ધ્યાને રાખી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં અગાઉ કાર્યરત ડાયલ ૧૧૨ની સાથે હંગામી ધોરણે ઈમરજન્‍સી નંબર ૧૦૧ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

વિવિધ મુખ્ય શહેરોમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસનું આયોજન:

*અમદાવાદ: શહેરના ૧૮ ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર રખાયા છે. કાલુપુર, રીલિફ રોડ, લાલ દરવાજા અને બાપુનગર જેવા અતિ ગીચ વિસ્તારોમાં મોટર સાઈકલ વિથ મિસ્ટ ટેકનોલોજી અને ક્વિક રિસ્પોન્‍સ વિહિકલની ખાસ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી. રીંગ રોડ પર વોટર બાઉઝર સાથે કર્મચારીઓ સ્ટેન્ડબાય રહેશે.

 *જૂનાગઢ: ગિરનાર દરવાજા, દોલતપરા ફાયર સ્ટેશન, આઝાદ ચોક, ઝાંસીની રાણી ચોક, ઝાંઝરડા ચોકડી અને મધુરમ ગેટ એમ કુલ ૬ મહત્વપૂર્ણ સ્થળોએ ૧૨-૧૨ કલાકની શિફ્ટ મુજબ કુલ ૧૨૦ કર્મચારીઓ ૨૪ કલાક સજ્જ ફાયર ફાઇટિંગ ટીમો સાથે સ્ટેન્ડબાય રહેશે.

 *ભાવનગર: ઘોઘા ગેટ, સંસ્કાર મંડળ, જવાહર મેદાન, ખારગેટ સહિત કુલ ૧૧ મહત્વપૂર્ણ સ્થળોએ ૧૨-૧૨ કલાકની શિફ્ટ મુજબ ૧૧૮ કર્મચારીઓ જરૂરી વાહનો સાથે ૨૪ કલાક તૈનાત રહેશે.

 *જામનગર: કુલ ૯ સ્થળો પર વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં ૩ મુખ્ય ફાયર સ્ટેશન (મુખ્ય ફાયર સ્ટેશન, જનતા ફાટક અને બેડી વિસ્તાર), ૪ હંગામી ફાયર સ્ટેશન (સમર્પણ સર્કલ, ડીકેવી સર્કલ, રાધિકા સ્કૂલ પાસે, સાધના કોલોની રોડ ગીન સિટી) તેમજ દરબારગઢ સર્કલ અને રંગમતી નદીના પટમાં ફટાકડા બજાર ખાતે કુલ ૧૩૦ કર્મચારીઓ વાહનો સાથે ફરજ પર રહેશે.

*ગાંધીનગર: સેક્ટર-૧૭, સરગાસણ, ભાટ અને રાંધેજા એમ ૪ ફાયર સ્ટેશનો ખાતે કુલ ૨૭ જરૂરી ફાયર અને ઇમરજન્સી વાહનો જેવા કે ફાયર ટેન્ડર, વોટર બાઉઝર વગેરે સાથે કર્મચારીઓ ૨૪ કલાક સ્ટેન્ડબાય રહેશે.

*વડોદરા: શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝર સહિતના વાહનો સાથે સજ્જ ટીમો ૨૪ કલાક ફરજ બજાવશે.

 *રાજકોટ: શહેરના કુલ ૧૦ ફાયર સ્ટેશનો ખાતે સજ્જ ફાયર ફાઇટિંગ ટીમો અને ઇમરજન્સી વાહનો ૨૪ કલાક સ્ટેન્ડબાય મોડ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા રાજ્યના નાગરિકોને દિવાળી દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા, ખુલ્લા અને સુરક્ષિત સ્થળે જ ફટાકડા ફોડવા, જ્વલનશીલ પદાર્થોથી દૂર રહેવા, બાળકો સાથે વડીલોની હાજરી રાખવા તથા અગ્નિ નિવારણના તમામ નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે.

નાગરિકોની સુરક્ષા અને શહેરની સલામતી માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ, ફાયર વિભાગ, નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular