પાટણ, 15 જુલાઈ, 2026 : Congress councilors stage a sit-in protest પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તન તેમજ શહેરના વોર્ડ નંબર 8 માં છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં કર્યા હતા. સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. બીજીબાજુ ચીફ ઓફિસર પણ ઉદ્ધત જવાબો આપી રહ્યા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર દીપક પટેલે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 10 અને 11 સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા છે. મેન રાઈઝિંગ લાઈન બેસી જવાના કારણે ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે. આ સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી હોવા છતાં પાલિકા સત્તાધીશો કે ચીફ ઓફિસર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. સામાન્ય બોર્ડમાં આ સમસ્યાના ઉકેલ માટે ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો દ્વારા 70 લાખ રૂપિયાના વધારાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, બોર્ડ મળ્યાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં આ ગંભીર સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
આજે સવારે વોર્ડ નંબર 11ના કોર્પોરેટરના પુત્ર નિખિલભાઈએ નિર્મલ નગરનો આખો રોડ ગટરના પાણીથી ભરાઈ ગયો હોવાની જાણ કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સ્થળ પર જઈ વીડિયો ઉતાર્યો અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે કોર્પોરેટરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તેમને ચેમ્બરની બહાર નીકળી જવાનું કહેતા, તમામ કોર્પોરેટરો તેમની ચેમ્બરની બહાર ધરણાં પર બેસી ગયા હતા. છેલ્લા ત્રણ મહિનાથી વિકરાળ બનેલી ગટરની સમસ્યાને કારણે સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. તેમ છતાં, પાલિકા દ્વારા કોઈ પાવડરનો છંટકાવ કે ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી. કોંગ્રેસના કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરોએ ચીફ ઓફિસરની ચેમ્બર પાસે પડાવ નાખી જ્યાં સુધી સમસ્યાનો યોગ્ય અને સમયસર ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.


