સુરેન્દ્રનગર, 15 જુલાઈ, 2026 : Two mobile phones were found during a search of the Surendranagar sub-jail ગુજરાતમાં સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત જેલોમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન પકડાતા હોય છે. નિરીક્ષકો દ્વારા અવાર-નવાર જેલોમાં ચેકીંગ કરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ પ્રિઝન વિભાગના અધિકારીઓએ રાત્રે સુરેન્દ્રનગરની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સબ જેલની બેરેકોના શૌચાલયના પોખરામાં છુપાવી રાખેલા બે પ્રતિબંધિત કીપેડ મોબાઇલ મળી આવ્યા હતા. આ અંગે અજાણ્યા શખસો વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
નાયબ પોલીસ મહાનિરિક્ષક પ્રીઝન રાજકોટ ઝોનના સુચનાથી પ્રિઝન વિભાગના અધિકારીઓ સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અચાનક આવી પહોંચ્યા હતા. જેલના મુખ્ય ગેટ પર એન્ટ્રી કરાવી ઇન્ચાર્જ અધિક્ષક અતુલભાઈ હાલપરા અને જેલ સ્ટાફને સાથે રાખી રાત્રે તમામ બેરેકોમાં કડક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બેરેક નંબર-2(અ) આ બેરેકના જનરલ શૌચાલયના પોખરામાંથી સિલ્વર કલરનો કીપેડ મોબાઇલ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ મોબાઇલનો આઇએમઈઆઇ નંબર જાણી ન શકાય તે માટે પાછળનું સ્ટીકર ઘસી નાખવામાં આવ્યું હતું અને ફોન પાસવર્ડ લોક હતો. જ્યારે બેરેક નંબર-3 આ બેરેકના જનરલ શૌચાલયના પોખરામાંથી સેમસંગ કંપનીનો કાળો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો. આ ફોન બેટરી વગરનો હતો. પરંતુ તેમાં VI કંપનીનું સક્રિય સીમકાર્ડ મળી આવ્યું હતું. આ ફોનના આઈએમઆઈઆઈ નંબર હોવાનું ખૂલ્યું છે. જેલ બેરેક નં. 2(અ) અને તેમાં રહેલા કાચા કામના કેદીઓની આ મોબાઈલ બાબતે પૂછપરછ કરી હતી. પણ કોઈ પણ કેદીએ આ મોબાઈલ પોતાનો હોવાની કબૂલાત કરી ન હતી. અંતે, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જેલ અધિકારીના કહેવા મુજબ બેરેક નંબર 2 (અ)માં મળી આવેલા કીપેડ મોબાઈલમાં તેનો આઈએમઈઆઈ નંબર જાણી ન શકાય તે માટે ફોન પાછળનું સ્ટીકર ઘસી કાઢ્યું હતું. સેમસંગના ફોનમાંથી મળી આવેલા VI કંપનીના સીમકાર્ડની ડિટેઇલ્સ કઢાવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ સીમકાર્ડ પરથી કોની સાથે વાતચીત થતી હતી અને લોકેશન ક્યાંનું બતાવે છે, તેના આધારે તપાસ હાથ ધરાશે.


