રેસીપી, 06 નવેમ્બર 2026: જો તમારા ઘરમાં બાળકો કે મોટા શાકભાજી ખાવામાં મોઢા બગાડતા હોય, તો કોબીજ કટલેટ એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. ઝીણી સમારેલી કોબીજ, ડુંગળી અને લીલા મસાલા સાથે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરીને બનાવવામાં આવતી આ કટલેટ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે.
સાંજના નાસ્તા માટે કે અચાનક આવેલી મહેમાનો માટે આ ઝટપટ બની જતી વાનગી ખૂબ જ ઉપયોગી છે, અહીં જાણો સરળ કોબીજ કટલેસ રેસીપી
કોબીજ કટલેસ રેસીપી
સામગ્રી
1 નંગ કોબીજ
1 નંગ ડુંગળી
2 નંગ લીલા મરચાં
1 ચમચી આદુ-લસણ
150 ગ્રામ ચણાનો લોટ
2 ચમચી ચોખાનો લોટ
2 ચમચી તલ
1 ચમચી જીરું
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર પાવડર
મીઠું – સ્વાદ મુજબ
પાણી – જરૂર મુજબ
ધાણાના પાન – જરૂર મુજબ
તેલ – તળવા માટે
કોબીજ કટલેસ બનાવવાની રીત
1 નંગ કોબીજને બરાબર ધોઈને એકદમ ઝીણી સમારી અથવા છીણી લો. તે જ રીતે 1 નંગ ડુંગળીને ઝીણી સમારી લો. 2 નંગ લીલા મરચાં અને 1 ચમચી આદુ-લસણની પેસ્ટ તૈયાર કરી લો.
એક મોટા વાસણમાં છીણેલી કોબીજ અને સમારેલી ડુંગળી લો. તેમાં 150 ગ્રામ ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી તલ, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરો.
1/2 ચમચી હળદર પાવડર, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, ઝીણા સમારેલા ધાણાના પાન અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો, કોબીજમાંથી પોતાનું પાણી છૂટશે, તેથી પહેલા પાણી ઉમેર્યા વગર જ બધું બરાબર મસળી લો.
જો જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરીને હાથથી કટલેટ શેપ આપી શકાય તેવો ઘટ્ટ લોટ તૈયાર કરો.હાથ પર થોડું તેલ લગાવી લો.
તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના-નાના લુવા લઈ હથેળી વડે ગોળ, લંબગોળ કે ટિક્કી શેપની કટલેટ બનાવી લો.એક કડાઈમાં તળવા માટે તેલ મધ્યમ આંચ પર ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે કટલેટ ઉમેરીને ધીમી થી મધ્યમ આંચ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલી ગરમાગરમ અને ક્રિસ્પી કોબીજ કટલેટને ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ગરમ ચા સાથે સર્વ કરો.


