રાજકોટ, 15 જુલાઈ, 2026 : 46,321 seats remain vacant after admissions at Saurashtra University. ગુજરાતમાં તમામ સરકારી યુવિનર્સિટીઓની વિવિધ વિદ્યાશાખાઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ( જીકાસ) દ્વારા ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએશન (યુજી)માં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 87,292 સીટ સામે 40,971 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે. એટલે કે 46,321 બેઠક હજુ પણ ખાલી રહી છે. જ્યારે યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે 12054 સીટ સામે 3786 એડમિશન જ થયા છે. જેથી તેમાં પણ 8,268 સીટ ખાલી છે. સીટો ખાલી રહેતા સૌરાષ્ટ્ર યુનિના સત્તાધીશો ચિંતામાં મૂકાઈ ગયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.એ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત અંડર ગ્રેજ્યુએશનમાં પ્રવેશની પ્રક્રિયાનો ઓનલાઇન રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. બેઠકો ખાલી રહેતા હવે કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની છૂટ આપી દેવામાં આવે છે. હાલ 87292 માંથી 40971 સીટ પર વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 12054 સીટ સામે 3786 વિદ્યાર્થીઓના એડમિશન થયા છે.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે લાંબી પ્રક્રિયા હોવાને લીધે વિદ્યાર્થીઓ કંટાળી જાય છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ઍડમિશન મેળવી લે છે. GCAS રદ કરવા અથવા ખાનગી યુનિવર્સિટીઓમાં પણ લાગૂ કરવા માટેની માંગ વિદ્યાર્થી સંગઠનો માગણી કરી રહ્યા છે.


