મોડાસા નગરપાલિકાઃ શું પ્રજાના પરસેવાની કમાણી ટકાવારીના ખાડામાં હોમાઈ રહી છે?
હેમંત પરમાર, અરવલ્લી
મોડાસા શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોડાસા નગરપાલિકાના વહીવટને લઈને સ્થાનિક જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચાતી વાતો અને તંત્ર સામે ઉઠતા સવાલો પર નજર કરીએ તો એવો ગંભીર ગણગણાટ સંભળાય છે કે શું મોડાસા નગરપાલિકાને તેના જ કર્મચારીઓએ ભ્રષ્ટાચારના ભરડામાં ભેરવી દીધી છે? શું સત્તા અને સરકારી બાબુઓની કથિત સાંઠગાંઠના કારણે મોડાસાની જનતા પીસાઈ રહી છે? આવા અનેક વેધક સવાલો આજે નગરના ચોરે ને ચૌટે ચર્ચાઈ રહ્યા છે.
હલકી ગુણવત્તાનું મટીરિયલ, શું વિકાસકામો માત્ર કાગળ પર જ મજબૂત છે?
જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર એવા આક્ષેપો કરવામાં આવે છે કે મોડાસા નગરપાલિકાના કર્મચારીઓએ જાણે ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી દીધી છે. નગરપાલિકા દ્વારા શહેરમાં જે પણ વિકાસકામો હાથ ધરવામાં આવે છે, તેમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતું હોવાની બૂમો ઊઠી છે. પ્રશ્ન એ થાય છે કે, લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ અને અન્ય જાહેર સુવિધાઓ થોડા જ સમયમાં કેમ બિસ્માર બની જાય છે? નવું બનેલું કામ થોડા જ મહિનામાં કેમ ધબાય નમઃ થઈ જાય છે? શું અધિકારીઓની રહેમનજર હેઠળ જ આ નબળું કામ ચાલી રહ્યું છે? કે પછી આ નબળી ગુણવત્તા પાછળ કોઈ મોટો આર્થિક લાભ છુપાયેલો છે?
વરસાદી પાણીના નિકાલની ગટરોનું અસહકાર આંદોલન, લાખો રૂપિયા પાણીમાં કેમ?
શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે. લાખો રૂપિયાના માતબર ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈનો નાખવામાં આવી છે. પરંતુ સ્થાનિકોનો કટાક્ષ છે કે વરસાદની મૌસમ આવતા જ આ લાખોના ખર્ચે બનેલી ગટર લાઈનો જાણે “અસહકાર આંદોલન” પર ઉતરી જાય છે. જરાક અમથો વરસાદ પડે અને ગટરો ચોક-અપ થઈ જાય છે, રસ્તાઓ જળબંબાકાર બની જાય છે. નાગરિકો પૂછી રહ્યા છે કે જો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ જ ન થતો હોય, તો પછી આ લાખો રૂપિયાની ગટર યોજનાઓ કોના ખિસ્સા ભરવા માટે બનાવવામાં આવી હતી? શું યોગ્ય આયોજન વગર જ કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે?
ગટરના જોખમી ઢાંકણો, વાહનચાલકોને શારીરિક પીડા આપતું નગરપાલિકાનું એન્જિનિયરિંગ?
નબળી ગુણવત્તાના આક્ષેપો માત્ર ગટર લાઈન પૂરતા સીમિત નથી, પરંતુ રસ્તા પર ફિટ કરાયેલા ગટરના ઢાંકણ પણ ચર્ચાનો વિષય બન્યા છે. હલકી ગુણવત્તાવાળા ગટરના ઢાંકણો અવારનવાર તૂટી જાય છે અને ક્યારેક તો એવા વિચિત્ર રીતે ફિટ કરવામાં આવ્યા હોય છે જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે. રોડના લેવલથી ગટરના ઢાંકણ ક્યાંક એક થી દોઢ ઇંચ નીચે બેસી ગયેલા હોય છે તો ક્યાંક રોડની સપાટીથી ઊંચા હોય છે. આના કારણે વાહનચાલકો માટે વાહન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. વાહનચાલકોને કમર અને પીઠનો દુખાવો ભેટમાં મળી રહ્યો છે અને વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સવાલ એ થાય છે કે શું સુપરવાઇઝર કે જવાબદાર એન્જિનિયરો આ કામોનું નિરીક્ષણ કરવા ક્યારેય સ્થળ પર જાય છે ખરા? કે પછી માત્ર ઓફિસમાં બેસીને જ બધું બરાબર હોવાના પ્રમાણપત્રો આપી દેવાય છે?
૧.૫ થી ૩ ટકાવારીનો ખેલ, ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા?
નગરપાલિકાના કર્મચારીઓ ઉપર જાગૃત નાગરિકો અત્યંત ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દરેક સરકારી કામમાં પોતાની ટકાવારી લેવામાં આવે છે અને આ ટકાવારીના ખેલને કારણે જ ક્યારેય ગુણવત્તાયુક્ત કામો થઈ શકતા નથી. કેટલાક નાગરિકો તો વિગતો આપતા એમ પણ ચર્ચી રહ્યા છે કે ચીફ ઓફિસર, એન્જિનિયરો, એકાઉન્ટન્ટ અને અન્ય કર્મચારીઓની કથિત ટકાવારી દોઢ ટકાથી લઈને ત્રણ ટકા સુધીની હોય છે. જો આ આક્ષેપોમાં સહેજ પણ તથ્ય હોય, તો વિચાર કરો કે પ્રજાના ટેક્સના પૈસાનો કેટલો મોટો હિસ્સો આવા ભ્રષ્ટાચારની ગર્તમાં હોમાઈ જતો હશે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જુગલબંધી, ભાગીદારીના ખેલ?
આક્ષેપોનો આ સિલસિલો અહીં જ પૂરો નથી થતો. શહેરીજનોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક પાલિકા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે પૂર્વ આયોજિત ભાગીદારી ચાલે છે. કેટલાક કર્મચારીઓની કોન્ટ્રાક્ટરો સાથે સીધી કે આડકતરી પાર્ટનરશિપ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ કારણ છે કે નગરપાલિકા દ્વારા મોટાભાગના કામો માત્ર કેટલાક પસંદગીના કોન્ટ્રાક્ટરો પાસે જ કરાવવામાં આવે છે. શું આ ઈજારાશાહી પાછળ કોઈ મોટો આંતરિક વહીવટ કામ કરી રહ્યો છે?
ક્યારે જાગશે વહીવટી તંત્ર? જનતા પૂછી રહી છે સવાલ
મોડાસા નગરપાલિકા સામે લોકો દ્વારા જે આક્ષેપો થઈ રહ્યા છે તે અત્યંત ગંભીર બાબત છે. આ અહેવાલ કોઈ વ્યક્તિ વિશેષ કે તંત્ર પર સીધા આક્ષેપ નથી કરતો, પરંતુ જનતાના મનમાં ઉઠતા વાજબી સવાલો અને તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને તંત્ર સામે રજૂ કરે છે. મોડાસાની પ્રજા ટેક્સ ભરે છે, તેની સામે તેમને શું મળી રહ્યું છે? બિસ્માર ગટરો, તૂટેલા રસ્તા અને વાહનોનું નુકસાન?
શું વહીવટી તંત્ર આ બાબતે કોઈ તટસ્થ તપાસ હાથ ધરશે ખરી? શું ટકાવારીના આ કથિત ખેલ પર ક્યારેય બ્રેક વાગશે? મોડાસા નગરપાલિકાના સત્તાધીશો આ સવાલોના જવાબો આપીને પ્રજા સમક્ષ વહીવટી પારદર્શિતા સાબિત કરશે કે પછી હંમેશાની જેમ મૌન સેવી લેશે? આ સવાલોના જવાબો મેળવવા મોડાસાની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.


