પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, 21 જુલાઈ 2026: પેટ્રોલમાં 20% થી વધુ ઇથેનોલ મિશ્રણ કરવાને લઈને દેશભરમાં વ્યક્ત થઈ રહેલી ચિંતાઓ અને વિપક્ષી દળોના પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે દેશવાસીઓ અને વાહનચાલકોની આશંકાઓને દૂર કરતા જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20% થી વધુ વધારવા અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે જ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં E20 પેટ્રોલના ઉપયોગ બાદ વાહનોના પરફોર્મન્સ કે એન્જિન ખરાબ થવા અંગે વાહન નિર્માતા કંપનીઓ કે ગ્રાહકો તરફથી કોઈ વ્યાપક કે અધિકૃત ફરિયાદો મળી નથી.
રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ માહિતી આપી હતી કે સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની માત્રા વર્તમાન 20% ના સ્તરથી ઉપર લઈ જવાનો કોઈ વિચાર કર્યો નથી. ભવિષ્યમાં જો આ મિશ્રણમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવાનો થશે તો તે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સ્તરના ઊંડા અભ્યાસ બાદ જ નક્કી કરાશે. આ ઉપરાંત ઓટોમોબાઇલ ઉત્પાદક કંપનીઓ, તેલ માર્કેટિંગ કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ સંબંધિત હિતધારકો સાથે વ્યાપક વિચાર-વિમર્શ કર્યા બાદ જ આગળનું કદમ ઉઠાવવામાં આવશે.
ભારતે નક્કી કરેલા સમયમર્યાદા કરતાં આશરે 5 વર્ષ પહેલાં જ 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. છેલ્લા 2 દાયકાથી તબક્કાવાર રીતે અમલમાં મુકાયેલા આ કાર્યક્રમને કારણે વર્ષ 2013-14 માં જે સરેરાશ ઇથેનોલ મિશ્રણ માત્ર 1.53% હતું તે વધીને 2025-26 ના સપ્લાય વર્ષમાં 20% સુધી પહોંચી ગયું છે. આ અભિયાનથી દેશને આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્રે મોટો ફાયદો થયો છે. વર્ષ 2014-15 થી અત્યાર સુધીમાં વિદેશી મુદ્રામાં ₹1.97 ટ્રિલિયન થી વધુની બચત થઈ છે, આશરે 316 લાખ ટન કાચા તેલનો વપરાશ ઘટ્યો છે અને 952 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન અટકાવી શકાયું છે. આ ઉપરાંત ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતાં તેમની વધારાની આવકમાં ₹1.66 લાખ કરોડ થી વધુનો ઉમેરો થયો છે.
-
દેશમાં 20 કરોડ થી વધુ દ્વિચક્રી વાહનો અને 3 કરોડ થી વધુ પેટ્રોલ કારો રસ્તા પર દોડી રહી છે
ઇથેનોલ મિશ્રિત ઇંધણના ઉપયોગથી ગાડીઓ ખરાબ થવાની આશંકાઓ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલતી ચર્ચા ધ્યાને આવતાં તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી છે. દેશમાં 20 કરોડ થી વધુ દ્વિચક્રી વાહનો અને 3 કરોડ થી વધુ પેટ્રોલ કારો રસ્તા પર દોડી રહી છે. આમાંથી ઘણી ગાડીઓ E20 સર્ટિફિકેશન પહેલાંની છે અને તેઓ છેલ્લા 2.5 થી 3.5 વર્ષ થી E15-પ્લસ અને E19-E20 ઇંધણ પર ચાલી રહી છે, છતાં અત્યાર સુધીમાં એન્જિન સીઝ થવાની કે ગાડીઓ બંધ પડી જવાની એક પણ પ્રમાણિત ઘટના સામે આવી નથી.
એક અગ્રણી ફોર-વ્હીલર ઉત્પાદકના 2.84 કરોડ વાહનોના સર્વિસ ડેટા (જેમાં 1.5 કરોડ નોન-E20 સર્ટિફાઇડ હતા) અને દ્વિચક્રી વાહન ઉત્પાદકોના ડેટામાં પણ ઇંધણ સંબંધિત કોઈ નુકસાન નોંધાયું નથી. જૂના મોડેલના વાહનોમાં માઇલેજમાં 3% થી 5% નો નજીવો તફાવત આવી શકે છે, પરંતુ E20 ઇંધણથી વાહનને વધુ ઓક્ટેન અને સ્વચ્છ દહન મળે છે.
દેશની ખાદ્ય સુરક્ષા અંગે મંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી હતી કે 20% મિશ્રણના લક્ષ્યાંકથી અન્ન પુરવઠા પર કોઈ વિપરીત અસર પડી નથી. ઇથેનોલ ઉત્પાદન માટે માત્ર એ જ અનાજનો ઉપયોગ કરાય છે જે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અને બફર સ્ટોકની જરૂરિયાતો પૂરી થયા પછી વધારાનું હોય છે. ઇથેનોલ માટે વપરાતા ચોખાનો જથ્થો વર્ષ 2024-25 માં 31.11 લાખ ટન થી વધીને 2025-26 માં (30 જૂન સુધી) 39.28 લાખ ટન થયો છે, જ્યારે મકાઈનો વપરાશ 131.18 લાખ ટન થી ઘટીને 67.87 લાખ ટન થયો છે.
આ ઉપરાંત મકાઈ જેવા પાકોના ઉપયોગથી ઇથેનોલ ઉત્પાદનમાં મકાઈની ભાગીદારી 2021-22 માં 0% થી વધીને 2025-26 માં 37% થઈ છે. એક લીટર ઇથેનોલ માટે 3 થી 5 લીટર પ્રોસેસ્ડ પાણી વપરાય છે. તેલ કંપનીઓએ 2025-26 માં જૂન સુધી ₹49,577 કરોડ નું 705.43 કરોડ લીટર ઇથેનોલ ખરીદ્યું છે. આ પહેલાં 2024-25 માં ₹73,996 કરોડ નું 1033.31 કરોડ લીટર અને 2023-24 માં ₹48,757 કરોડ નું 679.04 કરોડ લીટર ઇથેનોલ ખરીદાયું હતું. હાલ 501 ઇથેનોલ સપ્લાયર્સ રજિસ્ટર્ડ છે.


