નવી દિલ્હી, 21 જુલાઈ 2026: યુક્રેનના દરિયાકાંઠે રશિયન હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે મંગળવારે રશિયાના ‘ચાર્જ ડી અફેર્સ’ (રાજદ્વારી પ્રતિનિધિ) ને તલબ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયા બાદ રવિવારે ‘MV ગોલ્ડન લિયો’ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે ભારતે ગિની-બિસાઉનો ધ્વજ ધરાવતા આ વ્યાપારી જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી હતી; આ હુમલામાં જહાજ પર સવાર 10 ક્રૂ સભ્યોના મોત થયા હતા. ભારતે સંઘર્ષ દરમિયાન વ્યાપારી જહાજોને નિશાન બનાવવાનું બંધ કરવાની પોતાની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં રશિયાનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, “ભારત આવા હુમલાઓની નિંદા કરે છે અને પુનરોચ્ચાર કરે છે કે વ્યાપારી જહાજોને નિશાન બનાવવા, નિર્દોષ નાગરિકો (ક્રૂ સભ્યો)ના જીવ જોખમમાં મૂકવા અથવા નૌકાવહન અને વેપારની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવો એ નિંદનીય છે અને આવું ન થવું જોઈએ.”
રશિયા-યુક્રેન સંઘર્ષમાં કોઈ ભારતીય નાવિકના મૃત્યુની આ પ્રથમ ઘટના છે. તાજેતરના સપ્તાહોમાં હોરમૂઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજો પર થયેલા હુમલાઓમાં અડધો ડઝનથી વધુ ભારતીય નાવિકોના મૃત્યુ અંગે ભારત અગાઉ જ ઈરાન અને અમેરિકા સમક્ષ સખત વિરોધ નોંધાવી ચૂક્યું છે.
યુક્રેનિયન નૌકાદળના જણાવ્યા અનુસાર, રશિયાએ ગિની-બિસાઉનો ધ્વજ ધરાવતા એક જહાજ પર ત્રણ ક્રૂઝ મિસાઇલો વડે હુમલો કર્યો. આ જહાજ પર ભારત અને સીરિયાના ક્રૂ સભ્યો સવાર હતા. યુક્રેનિયન વાયુસેનાએ અહેવાલ આપ્યો છે કે રશિયાના ક્રૂઝ મિસાઇલ હુમલાને કારણે જહાજમાં આગ લાગી હતી.
ત્યારબાદ, વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે આ ઘટનામાં ચાર ભારતીય નાગરિકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ‘એમવી ગોલ્ડન લિયો’ (MV Golden Leo) એ સામાન્ય માલવાહક જહાજ હતું અને ઘટના સમયે તેના પર 17 ક્રૂ સભ્યો સવાર હતા.
યુક્રેનના બંદર સત્તામંડળે સોમવારે જણાવ્યું હતું કે મૃતકોમાં ‘ગોલ્ડન લિયો’ (Golden Leo) જહાજના નવ ક્રૂ સભ્યો અને યુક્રેનના એક પોર્ટ પાઇલટનો સમાવેશ થાય છે. રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવેલા આંકડા મુજબ, MV ‘ગોલ્ડન લિયો’ મુંબઈ સ્થિત કંપની ‘ઓશન ગ્રેસ શિપિંગ લિમિટેડ’ની માલિકીનું છે.
તાજેતરના અઠવાડિયામાં રશિયન હુમલાઓ વધુ તીવ્ર બનતાં, ઓડેસા પ્રદેશ અને યુક્રેનના દરિયાઈ માર્ગો દ્વારા માલસામાનની હેરફેર માટે બાકી રહેલો છેલ્લો કોરિડોર સતત હુમલાની ઝપેટમાં આવી ગયા છે. મોસ્કોએ રોમાનિયા અને બલ્ગેરિયાના દરિયાકાંઠેથી તુર્કી તરફ માલસામાન લઈ જતા વિદેશી ધ્વજવાળા કાર્ગો જહાજોને નિશાન બનાવ્યા છે.
યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. સિબિહાએ કહ્યું, “એક નાગરિક જહાજ. આંતરરાષ્ટ્રીય ક્રૂ. વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપતો એક માર્ગ. પુતિને વધુ એક લક્ષ્ય શોધી કાઢ્યું છે.”


