અરવલ્લી, 14 જૂન 2026: Dilapidated shops મોડાસા શહેરના વ્યસ્ત ચાર રસ્તા વિસ્તારમાં આવેલી દુકાનોની પેરાફિટ ગઈકાલે રાત્રે અચાનક તૂટી પડતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટના સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ વર્ષોથી જર્જરિત બની રહેલી દુકાનોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, આ દુકાનોનું નિર્માણ થયાને ચાલીસ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે. સમયાંતરે જાળવણીના અભાવે અનેક દુકાનો આજે પણ જર્જરિત અવસ્થામાં છે. ગઈકાલે પેરાફિટનો ભાગ તૂટી પડવાની ઘટના બાદ હવે વેપારીઓ અને નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે જો માત્ર પેરાફિટ તૂટી શકે છે તો આખું માળખું કેટલું સુરક્ષિત ગણાય?
નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે બે થી ત્રણ વર્ષ અગાઉ નગરપાલિકાએ તમામ દુકાન ધારકોની બેઠક બોલાવી હતી. તે સમયે જૂની દુકાનો તોડી નવી દુકાનોના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે કેટલાક દુકાન ધારકોએ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે નવેસરથી બાંધકામ દરમિયાન તેઓ પોતાનો વ્યવસાય ક્યાં ચલાવશે અને તેમની રોજીરોટીનું શું થશે? આ પ્રશ્નોના ઉકેલ વિના આખું પ્રકરણ અટકી ગયું હતું.
આ દરમિયાન કેટલાક વેપારીઓએ પોતાની દુકાનોનું રિનોવેશન કરાવીને માળખાને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ ઘણી દુકાનો એવી છે જે જોખમી સ્થિતિમાં છે. આવી દુકાનો કોઈ ભારે વરસાદ, વાવાઝોડા કે અન્ય કુદરતી આફત દરમિયાન તૂટી પડે તો તેની અસર માત્ર એક જ દુકાન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આજુબાજુની દુકાનો અને રાહદારીઓ માટે પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
ગઈકાલની ઘટનાએ ફરી એકવાર એ ચર્ચા જીવંત કરી છે કે વર્ષોથી લંબાતો આ પ્રશ્ન હવે કેટલો સમય વધુ ટાળી શકાય? શું નગરપાલિકા ફરીથી દુકાનોના પુનઃનિર્માણ માટે સક્રિય પ્રયાસ કરશે? અને શું દુકાન ધારકો પણ પોતાની તથા જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ સર્વસ્વીકાર્ય ઉકેલ માટે આગળ આવશે?
સ્થાનિક નાગરિકોનું માનવું છે કે મોટી દુર્ઘટના સર્જાય પછી કાર્યવાહી કરવાને બદલે સમયસર નિર્ણય લેવો વધુ જરૂરી છે. કારણ કે જો જર્જરિત દુકાનોમાંથી કોઈ એક દુકાન અચાનક ધરાશાયી થાય તો જાનમાલનું મોટું નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
પેરાફિટ તૂટવાની ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ વર્ષોથી અવગણાતી સમસ્યાની ગંભીર ચેતવણી છે.
નગરપાલિકા અને દુકાન ધારકો બંનેએ સાથે મળીને વ્યવસાય, રોજગાર અને સુરક્ષા વચ્ચે સંતુલન સાધતો માર્ગ શોધવો જરૂરી બની ગયો છે. સમયસર પગલાં લેવામાં આવશે તો ભવિષ્યમાં મોટી હોનારત અટકાવી શકાશે, અન્યથા આગામી ઘટના કેટલી ગંભીર હશે તેનો જવાબ કદાચ કોઈ પાસે નહીં હોય.
વધુ વાંચો: વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત: પી. વિજયનનો રાહુલ ગાંધી પર પ્રહાર


