Site icon Revoi.in

મુંબઈની કુખ્યાત લેડી ડોનની મહેસાણામાં પોલીસે ડ્રગ્સ સાથે કરી ધરપકડ

Social Share

અમદાવાદઃ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કુખ્યાત લેડી ડોન રૂબિના શેખના ઘરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ છાપો મારીને ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, રૂબિના ફરાર હોવાથી એનસીબીએ તેની શોધખોળ આરંભી હતી. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણામાં એક દરગાહ પાસેથી પોલીસે ઝડપી લીધી હતી. તેમજ તેની કસ્ટડી મુંબઈ એનસીબીને સોંપી હતી. મહેસાણા પોલીસે રૂબિનાને 3 ગ્રામ મેફોડ્રોન નામના ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ એનસીબીએ ગત તા. 18મી જુલાઈના રોજ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં રેઈડ કરીને લેડી ડોન રૂબિના નિયાઝુ શેખના ઘરમાંથી 110 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 585 ગ્રામ સોનુ અને રૂપિયા 78 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જો કે, રૂબિના એનસીબીના હાથ લાગી ના હતી.  એનસીબીએ રૂબિનાને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી હતી. રૂબિના શેખ ઊંઝા તાલુકાના ઉનાવાની મીરાદાતાર દરગાહ ઉપર આવી હોવાની બાતમી મળતાં એનસીબીએ મહેસાણા પોલીસને જાણ કરી હતી.

મુંબઈ એનસીબીના બે અધિકારી અને ઊંઝા પોલીસની ટીમે ઓપરેશન હાથ ધરીને રૂબિના શેખને મીરા દાતાર દરગાહના 100 મીટર દૂરથી પકડી લીધી હતી. રૂબિના શેખને પકડી લીધા બાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કોર્ટમાં રજૂ કરાઈ હતી. મુંબઈ એનસીબીએ ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી મુંબઈ રવાના થઈ હતી. રૂબિના પાસેથી 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉનાવા મીરા દાતારની દરગાહ ઉપર ઉર્સનો મેળો હોવાથી ખાસ તકેદારી રાખીને પોલીસે રૂબિનાની અટકાયત કરી હતી.