Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં મ્યુનિ.કોર્પો.એ રેપિડ ટેસ્ટના 35માંથી 10 કેન્દ્રો બંધ કર્યા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા કાળે વિદાય લઈ લીધી છે. ગુરૂવારે રાજ્યમાં માત્ર 10 કેસ નોંધાયા હતા.કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. લોકોનું જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરેલા કોરોનાના ટેસ્ટ માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટના કેન્દ્રો એકાએક બંધ કરી દીધા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં રેપિડ ટેસ્ટના 35માંથી 10 કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે બાકીના 25 કેન્દ્રો પણ આગામી સમયમાં બંધ કરી દેવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર તળાવ, પાલડી ટાગોર હોલ પરના કેન્દ્ર અને પૂર્વ ઝોનના કેન્દ્રો મળી કુલ 10 જેટલા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.  અને આગામી સપ્તાહ દરમિયાન 35 કેન્દ્રો પૈકી બાકીના 25 કેન્દ્રો પણ બંધ કરી દેવાશે. જ્યારે મ્યુનિ.ના આઠ ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ માટેની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. એટલે કે, એક ઝોનમાં એક કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે. રેપિડ એન્ટિજન્સ ટેસ્ટ માટેના કેન્દ્રોમાં રોજ માંડ 10 નાગરિકો જ ટેસ્ટ માટે આવતા હોવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે.

કોરોનાની સંભવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 250 અને 500 લીટર કેપેસિટી PSA ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આગામી સમયમાં જે જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ છે તેમના મેન્ટેનન્સ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. 11 કરોડ રૂપિયા આ કામ માટે ફાળવવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ હતું કોરોના બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજનની તકલીફ ખૂબ ભોગવી જેને લઈને ઓક્સિજન માટેની તૈયારીઓ કરી છે. જેના માટે અમદાવાદના અલગ અલગ સી એચ સી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અને હોસ્પિટલ ખાતે 30 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાં આવશે. હાલમાં તેમના કામને મંજૂરી આપવામાં આવી છે અને આ કામને તાકીદમાં લેવામાં આવશે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ તાકીદ પર લેવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે. ત્યારે જિલ્લામાં સતત 19માં દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં એક નવો કેસ નોંધાયો છે, જ્યારે 3 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. સતત 45મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી. 1 સપ્ટેમ્બર, 2021ની સાંજથી 2 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે શહેરમાં 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 113 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 663 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.