Site icon Revoi.in

રાજકોટમાં રામવનમાં ટિકિટને લઈને ફુડકોર્ટ માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યા

Social Share

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  આજી ડેમની બાજુમાં વિશાળ જગ્યા પર રામવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. રામવનમાં પ્રવેશ માટે ટીકીટ લેવાનું શરૂ કરી દેવાયાના 3 મહિના બાદ હવે રામવનની ટીકીટથી માંડી ફૂડ કોર્ટના સંચાલનનો કોન્ટ્રાકટ આપવાના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. એક તરફ મ્યુનિ પ્રદ્યુમન પાર્ક ઝુનું સંચાલન જાતે કરે છે ત્યારે રામવનનું સંચાલન ગાંધી મ્યુઝીયમની જેમ ખાનગી એજન્સીને સોંપી દેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને નાગરિકોના ટેક્સના પૈસે નિર્માણ કરેલા રામવનમાં પ્રવેશ માટે ટિકિટના દર નક્કી કરતા વિરોધ થયો હતો. તે સમયે મ્યુનિ.ના સત્તાધિશોએ એવો દાવો કર્યો હતો કે, રામવનના વિકાસ અને તેને સ્વચ્છ રાખવા માટે ટિકિટથી મળેલી આવક ખર્ચાશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ એવું અને પૂરા દેશમાં બેનમૂન એવું રામવન 47 એકર જગ્યામાં બનાવવામાં આવ્યું છે. 13.77 કરોડના ખર્ચે શ્રીરામના જીવનને જીવંત કરતા વિશાળ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. રામાયણના જુદા જુદા પ્રસંગો તેમાં વર્ણવવામાં આવ્યા છે. જન્માષ્ટમીના મેળા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ રામવનનું ઉદઘાટન કર્યુ હતું.તહેવારના દિવસોમાં રામવનમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રોજિંદા મેન્ટેનન્સ જેવા ખર્ચ અને જાળવણીના હેતુથી બાળકો માટે રૂા. 10 અને મોટેરા માટે રૂા. 20ની ટીકીટ રાખવામાં આવી હતી.

શૂત્રોએ ઉમેર્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી અગાઉ  રામવનના સંચાલનનો કોન્ટ્રાકટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો વિવાદ થવાની શકયતાથી શાસકોએ આ માટેના ટેન્ડર બહાર પાડયા ન હતા.પણ ચૂંટણી પૂરી થતાં જ મ્યુનિના ગાર્ડન શાખાએ ઇ-ટેન્ડર બહાર પાડયા છે. તેમાં ટીકીટ બારીનું સંચાલન, સિકયુરીટી વ્યવસ્થા, ઇ-વ્હીકલ સર્વિસ રોડ અને ઓફિસની સફાઇ, ટોયલેટ બ્લોક, ફૂડ કોર્ટ સહિતની વહીવટી વ્યવસ્થા એજન્સીએ સંભાળવાની છે. ત્રણ વર્ષ માટે આ કોન્ટ્રાકટ આપવાનો છે ત્યારે અને ઇએમડી રૂા. 3 લાખ આપવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયો હોવાથી હવે વિપક્ષ પણ વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી