Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.ના હોલ બર્થ ડે અને કીટી પાર્ટી, તેમજ બોર્ડ મીટિંગ માટે 50 ટકા ભાડાથી અપાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત વિવિધ વિસ્તારોમાં હોલ અને પાર્ટીપ્લોટ્સ આવેલા છે. લગ્નગાળાની સીઝનમાં તો હોલ અને પાર્ટી પ્લોટ્સ અગાઉથી બુક થઈ જતાં હોય છે. જ્યારે લગ્નગાળાની સીઝન ન હોય ત્યારે હોલ ખાલી રહેતા હોય છે. આથી હવે હોલ પણ  સ્લોટ પ્રમાણે બુકિંગ કરાવી શકાશે, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કે પછી કેટલીક કંપનીઓ કોર્પોરેટ મીટિંગ માટે ચોક્કસ કલાકો માટે પણ કોમ્યુનિટી હોલ ભાડે લઇ શકાશે. જે પ્લોટના ભાડાં કરતાં 50 ટકા ભાડામાં આ હોલ બુક થઇ શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોલ સામાન્ય રીતે લગ્ન પ્રસંગ અને બેસણાં માટે ભાડે લેવાતા હોય છે. જોકે મ્યુનિ.ના 60 કોમ્યુનિટી હોલનો ઉપયોગ વધે અને મ્યુનિ.ને આર્થિક ફાયદો થાય તે માટે મ્યુનિ.એ હવે સ્લોટમાં પણ ચોક્કસ સમય માટે હોલ ભાડે આપવાનું આયોજન કર્યું છે. મ્યુનિ.એ સત્તાવાર રીતે આ વ્યવસ્થા શરૂ કરી છે. હવે મ્યુનિ.ના હોલ,બર્થડે પાર્ટી, પ્રદર્શન, પેન્શનરોની બેઠક, કોર્પોરેટ મીટિંગ, કિટી પાર્ટી, સામાજિક મિટિંગ વિગેરે હેતુ માટે મર્યાદિત સમય માટે ભાડે મળશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશની માલિકીના હોલ છેલ્લા 1 વર્ષમાં એટલે કે એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધીમાં એટલે કે 10 મહિનામાં કેટલા દિવસ ખાલી રહ્યા તેની વિગતો જાહેર કરી છે, જેમાં શહેરમાં કેશવનગર કોમ્યુનિટી હોલ માત્ર 7 દિવસ, ભાઈપુરા કોમ્યુનિટી સેન્ટર માત્ર 13 દિવસ, વાસુદેવ ત્રિપાઠી કોમ્યુનિટી હોલ માત્ર 62 દિવસ, નિકોલ કોમ્યુનિટી હોલ માત્ર 43 દિવસ વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ માત્ર 44 દિવસ, એમ્ફી થિયેટર માત્ર 40 દિવસ ઓછા દિવસ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. તો રવિદ્રનાથ ટાગોર હોલ 403 દિવસ, મહંતશ્રી બલદેવગીરી બાપુ હોલ 166 દિવસ,વસંત રજબ હોલ 160 દિવસ, ખંડુભાઇ દેસાઇ હોલ 213 દિવસ, કુશાભાઉ ઠાકરે કોમ્યુનિટી હોલ 201 દિવસ, ડી.કે. પટેલ હોલ 320 દિવસ, જ્યારે પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલ 406 દિવસ માટે ઉપયોગમાં લેવાયા હતા. આ જોતા  કેટલાક હોલને દિવસે કેટલાક સમય માટે પણ ઉપયોગ માટે ફાળવવામાં આવે તો તેનો મહત્તમ ઉપયોગ થઇ શકે તેમ છે.