Site icon Revoi.in

રાજકોટમાં ડેરીઓ, ફરસાણની દુકાનો પર મ્યુનિ,ના આરોગ્ય વિભાગનું ચેકિંગ, દૂધના સેમ્પલ લેવાયાં

Social Share

રાજકોટઃ શહેરમાં બનાવટી દુધ વેચાતુ હોવાનું પ્રકાશમાં આવતા મ્યુનિ,કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દૂધની ડેરીઓ, દૂધની મીઠાંઈ બનાવતી ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મ્યુનિની ટીમ દ્વારા ડેરીફાર્મની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી દૂધનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું કુલ 22 દુકાનોમાં મ્યુનિ.ના ફુડશાખાની ટીમ ત્રાટકી હતી, જેમાં નવ પેઢીને ફુડ લાયસન્સ બાબતે નોટીસ અપાઇ હતી. આ ઉપરાંત ઢેબર રોડ પરની એક બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાંથી  મિકસ દૂધનું તેમજ કોફીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.

મ્યુનિ.ના ફુડ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના કોઠારીયા રોડ અને હરિ ધવા રોડ વિસ્તારમાં આવેલી દુકાનો સહિત નવ ધંધાર્થીને ફુડ લાઇસન્સ બાબતે નોટિસ અપાઇ હતી. આ ઉપરાંત 22 જેટલી દુધમાંથી મીઠાઈ બનાવતી ફરસાણની દુકાનોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને મીઠાઈના નુમુના પણ લેવામાં આવ્યા હતા. શહેરના  રૈયાધાર–શાંતિનગર મેઇન રોડ ખાતે 15 દુકાનોની ચકાસણી કરાઇ હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળની બદી સૌથી વધુ જોવા મળી રહી છે. શહેરમાં છૂટક દૂધના વેચાણનો મોટો કારોબાર છે. મોટા ભાગના શહેરીજનો ડેરીના પેકેટ્સ દુધ કરતા છૂટક દુધ ખરીદતા હોય છે. અને છૂટક દુધમાં જ ભેળસેળ થતી હોય છે. જામનગરમાં કાલાવાડમાં નકલી દૂધની ફેક્ટરી પકડાયા બાદ અને ફેટકરીનું નકલી દૂધ રાજકોટમાં સપ્લાય થતું હોવાની હકિક્ત પ્રકાશમાં આવ્યા બાદ રાજકોટના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ ઝૂંબેશ હાથ ધરી છે.