Site icon Revoi.in

રાજકોટમાં મ્યુનિ. દ્વારા એક સપ્તાહમાં 377 રખડતા ઢોર ડબ્બે પૂરાયા, હવે દૈનિક ટાર્ગેટ અપાયો

Social Share

રાજકોટઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.ના પ્રાણી રંજાડ અંકુશ શાખાએ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે દરરોજ 40 ઢોર પકડવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે આ લક્ષ્યાંક કરતા ગત સપ્તાહે વધારે રખડતા ઢોર પકડાયા હતા.  તા.13થી 20 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી 377 ઢોર પકડાયા હતા જે જોતા સરેરાશ દૈનિક 53 ઢોર પકડવામાં આવ્યા છે. હાલ જે પણ ઢોર પકડાય છે તેના માલિક પાસેથી દંડ લેવામાં આવે છે અને જો ઢોર રજિસ્ટ્રેશન વગરનું હોય તો તેના માલિકને સોંપવામાં આવતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં અગાઉ રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરાતાં શહેરમાં કંઈક અંશે રખડતા ઢોરનો ત્રાસ દુર થયો હતો.ત્યારબાદ છેલ્લા એક મહિનાથી જાહેર રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેઠેલા રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફરીવાર રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરાવામાં આવી છે. શહેરના વિસ્તારો આજી ડેમ, કોઠારિયા, શ્યામનગર, કોઠારિયા સોલવન્ટ, સોમનાથ સોસાયટી, રામવન મેઈન રોડ, રાધાકૃષ્ણ, જડેશ્વર, વેલનાથ સોસાયટી, પ્રદ્યુમ્નપાર્ક, ગાર્બેજ સ્ટેશન સામે, રણુજા મંદિર, મારુતિચોક, શીતળાધારમાંથી 40 પશુઓ પકડાયા હતા. જ્યારે  મનહરપુર, નટરાજનગર, દ્વારકેશપાર્ક, નવીકોર્ટ સામે, રોજરી સ્કૂલ પાસે, શાસ્ત્રીનગર, દર્શન સોસાયટી, ગોપાલચોક, ભીડભંજન સોસાયટી, સાધુવાસવાણી રોડ, બંસીધરપાર્ક, સ્લમ ક્વાર્ટર, શીતલપાર્ક વગેરે વિસ્તારમાંથી 49 પશુઓ પકડાયા હતા. આ ઉપરાંત કનૈયાચોક રંભામાની વાડી, સમૃદ્ધ સોસાયટી, ગાર્બેજ સ્ટેશનની સામે, રૈયાધાર એનિમલ હોસ્ટેલ મેઈન રોડ, દ્વારકાધીશ હાઈટ્સ, રૈયા ગામ, ભીડભંજન સોસાયટી, પાણીના ટાંકા સામે, નાગેશ્વર, શ્યામનગર, નંદાપાર્ક વગેરે વિસ્તારોમાંથી 48 પશુને ડબ્બે પૂરાયા છે. આ સિવાયના પણ વિસ્તારોમાંથી છૂટાછવાયા પ્રમાણમાં ઢોરને પકડવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના પશુપાલકોને તેમની પાસે કેટલા ઢોર છે તેનું રજિસ્ટ્રેશન કરાવીને ટેગ ઢોરને પહેરાવી દેવાની સુચના આપવામાં આવી હતી. મોટાભાગના માલધારીઓએ પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. પણ જે પશુપાલકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અને તેમના ઢોર પકડાશે તો પરત આપવામાં આવશે નહીં. એવી સુચના આપવામાં આવી છે.