Site icon Revoi.in

ગાંધીનગરના મ્યુનિ. કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો, હવે 25 લાખ મળશે

Social Share

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરોને પોતાના વિસ્તારના વિકાસના કામો માટે મ્યુનિ. દ્વારા ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. વર્ષ 2021માં ભાજપે મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ વર્તમાન વર્ષ 2022-23ના બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો કરીને 16.5 લાખ રૂપિયા કરી હતી. તે પછીના વર્ષે એટલે કે વર્ષ 2023-24માં 4.5 લાખનો વધારો કરીને 21 લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ કરવામાં આવી હતી. હવે આગામી નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં પણ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે કોર્પોરેટરોને વર્ષે 25 લાખની ગ્રાન્ટ મળશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટના વિકાસ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. મ્યુનિ. કોર્પોરેટરોની ગ્રાન્ટમાં છેલ્લા 10 વર્ષમાં 19 લાખ જેટલી માતબર રકમનો વધારો થયો છે. વર્ષ 2013-14માં કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારીને 6 લાખ કરવામાં આવી હતી. તે પછીના વર્ષોમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. હવે કોર્પોરેટરો તેમની ટર્મમાં 1 કરોડથી પણ વધુની રકમ ગ્રાન્ટ પેટે વાપરી શકે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે એવી પણ ફરિયાદો ઊઠી છે. કે, મોટાભાગના કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ બાંકડા, ખુરશી, રમતગમતના સાધનો અને પંખા જેવી વસ્તુઓના વિતરણમાં જ વેડફી દેતા હોય છે, એટલે નામની જ્યાં તકતીઓ લાગતી હોય ત્યાં કોર્પોરેટરોને વધુ રસ રહેતો હોય છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વર્તમાન સત્તાધારી પાંખે ચૂંટાઇ આવ્યા પછી સતત ત્રીજીવખત કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે. વર્તમાન સત્તાધિશોએ સત્તા સંભાળી તેના ત્રણ વર્ષમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 12.5 લાખનો વધારો કરી દીધો છે. એટલે કે તે વખતે મળતી હતી તેની બમણી ગ્રાન્ટ કોર્પોરેટરોના ફાળે આપી દેવામાં આવી છે. કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખરેખર થવા જોઇએ તેવા કામો થાય તો શહેરમાં અસુવિધાની કોઇ ફરિયાદ ન રહે. પરંતુ મોટાભાગના કોર્પોરેટરોને બાંકડા, ખુરશી, રમતગમતના સાધનો અને પંખા જેવી વસ્તુઓના વિતરણમાં જ રસ છે. અર્બન હેલ્થ સેન્ટર અને અન્ય સુવિધાઓ ઉભી કરવા પાછળ ખાસ ધ્યાન અપાતું નથી. ચાલું વર્ષે ગ્રાન્ટ પાછળ 9.24 કરોડ રૂપિયા ખર્ચાયા હતા જ્યારે નવા નાણાકીય વર્ષમાં 11 કરોડ રૂપિયાનું ભારણ મ્યુનિ.ની  તિજોરી પર આવશે.

જીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2021માં 41 બેઠકો સાથે ભાજપે મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વર્તમાન બોડીએ પ્રથમ બજેટમાં જ એટલે કે વર્ષ 2022-23ના બજેટમાં ગ્રાન્ટમાં 4 લાખનો વધારો કરીને 16.5 લાખ રૂપિયા કરી હતી. તે પછીના વર્ષે એટલે કે વર્ષ 2023-24માં 4.5 લાખનો વધારો કરીને 21 લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ કરવામાં આવી હતી. હવે આગામી નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં પણ 4 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેટરોની ગ્રાન્ટમાં સતત વધારાને કારણે તેનું ભારણ મ્યુનિ.ની તિજોરી પર પડી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટેક્સની આવકમાં માતબર વધારો થયો છે. સાથે નોન ટેક્સ રેવન્યુ આવકમાં પણ વધારો થયો છે, જેને કારણે મ્યુનિ,ને  હવે સરકારની ગ્રાન્ટ પર આધારિત રહેવું પડે તેવી સ્થિતિ નથી.