Site icon Revoi.in

યુપીના ત્રણ રેલવે સ્ટેશન પ્રતાપગઢ, અંતુ, બિશ્નાથગંજના નામ બદલાયા,હવે આ નામેથી ઓળખાશે

Social Share

લખનઉ: રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા ઉત્તર પ્રદેશના ત્રણ રેલવે સ્ટેશનના નામ બદલી નાખ્યા છે. રેલવે દ્વારા ત્રણ સ્ટેશનોના નામ બદલવાની સત્તાવાર માહિતી પણ જારી કરવામાં આવી છે. જે સ્ટેશનોનું નામ બદલવામાં આવ્યું છે તેમાં પ્રતાપગઢ, અંતુ અને બિશ્નાથગંજ રેલવે સ્ટેશન છે. તમને જણાવી દઈએ કે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની નજીક હોવાના કારણે આ સ્ટેશનોના નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. ચાલો જાણીએ કે આ સ્ટેશનોની નવી ઓળખ કયા નામથી હશે.

રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ ત્રણેય સ્ટેશનોના નવા નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. પ્રતાપગઢ જંક્શનને મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ જંક્શન તરીકે ઓળખવામાં આવશે, અંતુ સ્ટેશનને મા ચંદ્રિકા દેવી ધામ અંતુ તરીકે અને બિશ્નાથગંજ સ્ટેશનને શનિદેવ ધામ બિશ્નાથગંજ સ્ટેશન તરીકે ઓળખવામાં આવશે.

પ્રતાપના સાંસદ સંગમ લાલ ગુપ્તાએ લગભગ બે વર્ષ પહેલા પ્રતાપગઢ જંક્શન, અંતુ અને બિશ્નાથગંજ રેલવે સ્ટેશનના નામ બદલવા માટે રેલવે મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો હતો. હવે આ ત્રણેય સ્ટેશનોના નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ આ જિલ્લાના રાણીગંજના દાંડુપુર સ્ટેશનનું નામ મા બારાહી ધામ હતું.

આ પહેલીવાર નથી કે જ્યારે રેલવે મંત્રાલયે સ્ટેશનોના નામ બદલ્યા હોય. અગાઉ મુગલસરાય સ્ટેશનનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, ઝાંસી સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન, વારાણસીના મંડુઆડીહ રેલવે સ્ટેશનનું બનારસ સ્ટેશન અને અલ્હાબાદ જંક્શનનું નામ પ્રયાગરાજ જંક્શન રાખવામાં આવ્યું છે. તે જ સમયે, મધ્ય પ્રદેશમાં, હોશંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને નર્મદાપુરમ અને હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને રાની કમલાપતિ સ્ટેશન કરવામાં આવ્યું છે.