Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા મીઠાના અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદાના કેનાલના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હાલ સરોવર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખારાઘોડાના રણમાં દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને આશરે 200 જેટલા પાટામાં કેનાલનું ચિક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ખરાઘોડાના અફાટ રણ વિસ્તારમાં અંદાજે 2,000થી વધુ અગરીયાઓ પોતાના પરિવારોજનો સાથે “કાળી મજૂરી કરી સફેદ મીઠું” પકવવાનું આકરું કામ કરી રહ્યા છે. પહેલા કચ્છના નાના રણમાં વિસ્તારમાં સર્વે સેટલમેન્ટમા નામ હોય તેમને જ પ્રવેશનો વિકટ પ્રશ્ન ઊભો થયો હતો.બાદમાં આ પ્રશ્ને સમાધાન થયુ હતું. અને રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓએ પોતાના મીઠાના પાટાઓ ભરીને તૈયાર કર્યા હતા. ત્યાં જ 200 જેટલાં મીઠાના પાટામાં કેનાલનું ચીક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાભાઈઓની રોજી પર વધુ એક મુસીબત આવી હતી. અગરિયાઓના કહેવા મુજબ નર્મદાનું લાખો કયુસેક પાણી કચ્છના નાના રણમાં છેલ્લા અઢી મહિનાથી બેરોકટોક વેડફાઈ રહ્યું છે. જેમાં રૂપેણ નદી, પાટડી, બજાણા, ખોડ, અજીતગઢ, માનગઢ વ્હોકળામાંથી બહુ મોટા પાયે નર્મદાનું પાણી ઝીંઝુવાડા, ખારાઘોડા અને બોડા રણમાં વેડફાઈ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેક વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખારાઘોડાના રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકાના રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ જેટલા મીઠ‍ાના પાટા છેલ્લા પાંચેક વર્ષથી બંધ થતાં અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી. આ અંગે નર્મદા વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું કે મીઠું પકવાતા અગરિયાઓની આ બાબતની ફરિયાદ મળી છે. જે અંગેની તાકીદે તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.