Site icon Revoi.in

નર્મદાનું પાણી રાજકોટને મોંઘુ પડ્યું, સરકારે ચાર વર્ષનું 80 કરોડનું બીલ ફટકાર્યું

Social Share

રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી અગાઉ આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું હોવાથી સરકારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને 80 કરોડનું તોતિંગ બીલ ફટકાર્યું છે. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી કાર્યરત હતા ત્યારે સૌની યોજના મારફત જળસંકટ સમયે નર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવવામાં આવતું હતું. છેલ્લા ચાર વર્ષથી જળસંકટ સમયે આ પાણી સૌની યોજના થકી આપવામાં આવતું હતું. ચાર વર્ષમાં રૂપાણી સરકારમાં ક્યારેય પાણીનું બિલ આપવામાં આવ્યું નથી. પરંતુ નવી સરકારે રાજકોટ મનપાએ ચાર વર્ષનાં પાણીનું 70 કરોડનું બિલ અને 10 કરોડનું વ્યાજ સહિત 80 કરોડનું બિલ ફટકાર્યું છે.

રાજકોટ શહેરને રોજ 360 MLD પાણીની જરૂરિયાત છે. 2017થી આજીડેમમાં સૌની યોજનાથી અનેક વખત નર્મદાનું નીર ઠાલવવામાં આવ્યું છે. આજીડેમમાં જૂન 2017થી આજ સુધીમાં 51.64 કરોડ અને વ્યાજ 6.51 કરોડ ઉમેરી 58.16 કરોડનું બિલ થાય છે. ન્યારીડેમમાં 2019થી આજ સુધીમાં 17.74 કરોડનું બિલ અને 78 લાખના વ્યાજ સાથે 22.33 કરોડનું બિલ થાય છે. આ અંગે રાજકોટના મેયરે જણાવ્યું હતું કે, સૌની યોજનાથી નર્મદાના નીર આજીડેમ અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા હતા. આ અંગે સરકારમાં રજુઆત કરવામાં આવશે. બીજી તરફ આ વર્ષે મેઘરાજાએ મહેર વરસાવતા આજી-1, આજી-2, આજી-3, ન્યારી-1, ન્યારી-2 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. આજી-1 ડેમ રાજકોટની જીવાદોરી સમાન છે. જે ઓવરફ્લો થતા આ વર્ષનું જળસંકટ ટળ્યું છે.

​​​​​​​સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમ પણ છલોછલ થવાની તૈયારીમાં છે. 34 ફૂટની સપાટી ધરાવતા આ ડેમમાં હાલ 95 ટકા પાણી ભરાય ગયું છે. હાલ આ ડેમની સપાટી 33.50 ફૂટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવા ભાદર-1 ડેમમાંથી પણ પાણી લેવામાં આવે છે. આ ડેમ ભરાતા જિલ્લાનાં 22 લાખ લોકોને ફાયદો થશે.