Site icon Revoi.in

સતત વધતા શહેરીકરણ વચ્ચે વિશ્વભરમાં 3.5 અબજ લોકોને ડેંગ્યુ થવાનું જોખમ

Social Share

નવી દિલ્હી: દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ધંધા-રોજગાર અર્થે સતત શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને તેના કારણે શહેરીકરણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ વચ્ચે શહેરીકરણથી પણ ડેંગ્યુનો ખતરો સતત વધી રહ્યો હોવાનું એક રિસર્ચમાં કહેવાયું છે. દર વર્ષે ડેંગ્યુના કારણે શહેરોમાં હજારો લોકો બીમાર પડતા હોય છે.

દિલ્હીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મલેરિયા રિસર્ચના સંશોધકો અનુસાર ડેંગ્યુનો વાયરસ મચ્છરો થકી ફેલાય છે. શહેરોમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વભરમાં વધી રહેલા શહેરીકરણથી 3.5 અબજ લોકો ડેંગ્યુની ચપેટમાં આવે તેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નેગેટિવ ટ્રોપિકલ ડિસિઝ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં સંશોધકોએ કહ્યું છે કે, નળના પાણીના કારણે ડેંગ્યુ વધારે ફેલાઇ રહ્યો છે. પાણીની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે તો ડેંગ્યુની પ્રમાણ ઘટાડી શકાય છે. સંશોધનમાં 18 શહેરી વિસ્તારો તેમજ 2000 જેટલા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, ડેંગ્યુની ઉત્પત્તિ એડિઝ નામના મચ્છરથી થાય છે. માદા એડિઝ એક વખતમાં 100 થી 125 ઇંડા મુકે છે. જેને લાર્વા કહેવામાં આવે છે. ડેંગ્યુના લાર્વા સાફ પાણીમાં ઉછેરાય છે અને વહેતા પાણીમાં તે જોવા મળતા નથી. મચ્છરના કરડ્યા બાદ ચારથી સાત દિવસમાં ડેંગ્યુ થતો હોય છે.

(સંકેત)