Site icon Revoi.in

ભારત બંધને કારણે દિલ્હીમાં ચક્કાજામની સ્થિતિ, અનેક લોકો અટવાયા

Social Share

નવી દિલ્હી: ખેડૂત સંગઠનોએ આજે કૃષિ કાયદાઓની વિરુદ્વ ભારત બંધ કર્યું છે. ખેડૂત સંગઠનોનું આ ભારત બંધ અત્યારે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની સરહદોએ પહેલેથી જ હજારો ખેડૂતો ઉપસ્થિત છે તેવામાં હવે ભારત બંધના એલાનને કારણે દિલ્હી, યુપી અને આસપાસના વિસ્તારોમાં ચક્કાજામ છે.

દિલ્હી-ગુરુગ્રામ સરહદે ચક્કાજામ છે. બોર્ડર પર ગાડીઓની ખૂબ જ લાંબી લાઇનો લાગેલી છે. રસ્તા પર હજારો ગાડીઓ દેખાઇ રહી છે. ખેડૂતોના પ્રદર્શનને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પણ બંધ છે, વાહનવ્યવહાર ઠપ્પ છે. લોકોને ઓફિસે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

દિલ્હી-અમૃતસર હાઈવે, દિલ્હી-અંબાલા, દિલ્હી-ચંદીગઢના રસ્તાઓ પર ખેડૂતોએ માર્ગ પર જ જામ લગાવી દીધો છે. દિલ્હીની ગાઝીપુર બોર્ડર, સિંધુ બોર્ડર, એન-એચ 9, એન-એચ 24 પર પણ ખેડૂતોના પ્રદર્શનના કારણે જામ લાગ્યો છે.

ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે હરિયાણાના બહાદુરગઢ ખાતે રેલવે ટ્રેક પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિહારના પટના ખાતે પણ રાજદના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં રસ્તાઓ પર ઉતર્યા છે.

મહત્વનું છે કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ લોકોને વિનંતી કરી હતી કે, સાંજના 4:00 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળતા નહીં તો જામમાં ફસાઈ જશો. જોકે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, કોઈ પણ એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ જરૂરી વાહનને નીકળવા માટે રસ્તો આપવામાં આવશે.