Site icon Revoi.in

કોવિડ સામે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી, આ નિયમો રહેશે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો ફરીથી રાફડો ફાટ્યો છે ત્યારે હવે સંક્રમણને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે તેમજ અનેક નિયંત્રણો પણ લાદી રહી છે. હવે આ જ દિશામાં સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. નવા નિયમો અનુસાર હવે ભારતની મુલાકાત લેનાર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને ત્યારબાદ આઠમાં દિવસે તેમનો RTPCR ટેસ્ટ અનિવાર્ય કરી દેવાયો છે. 11 જાન્યુઆરીથી આ ગાઇડલાઇન લાગૂ થશે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, યાત્રીઓએ પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે. તેની સાથે રિપોર્ટ જો બનાવટી કે ખોટો સાબિત થયો તો મુસાફર વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી પણ થશે. આ માટે મુસાફરી પહેલા એક ફોર્મ ભરવું આવશ્યક રહેશે.

મહત્વનું છે કે, દેશમાં કોવિડના દૈનિક કેસ 1 લાખથી વધારે નોંધવામાં આવ્યા છે. દેશમાં કોવિડ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3,52,26,386 થઇ ગઇ છે. તેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિએન્ટના 3,007 કેસ પણ સામેલ છે.

નોંધનીય છે કે, અત્યાર સુધી ઓમિક્રોનના કુલ કેસમાંથી 1199 લોકો સાજા થઇ ગયા છે અને અથવા તો દેશ છોડીને ચાલી ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 કેસ નોંધાયા, ત્યારબાદ દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291 કેસ સામે આવ્યા છે.