Site icon Revoi.in

OTT પ્લેટફોર્મ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

Social Share

નવી દિલ્હી: ઓટીટી તેમજ સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ફક્ત ગાઇડલાઇન છે અને તેમાં નક્કર પગલાંનો અભાવ છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે તાંડવ વેબ સીરિઝ વિરુદ્વ થયી FIR કેસમાં એમેઝોન પ્રાઇમ વીડિયોના ભારતના વડા અપર્ણા પુરોહિતને ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આવા પ્લેટફોર્મ્સ પર વાંધાજનક સામગ્રી દર્શાવવા માટે કેન્દ્રની ગાઇડલાઇનમાં યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઇ નથી.

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ આર એસ રેડ્ડીની ખંડપીઠે પુરોહિતની આગોતરા અરજી મામલે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારની સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટ પર નિયંત્રણ માટેની ગાઈડલાઈનમાં વાંધાજનક સામગ્રી દર્શાવવા પર કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી.

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રાખતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી અંગે વિચારણા કરશે અને આ અંગે કોઇ નિયમન અથવા કાયદાને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે. સુપ્રીમ કોર્ટે અમેઝોન ઇન્ડિયાના ભારતના વડા પુરોહિતને આ કેસમાં કેન્દ્રને પણ પક્ષકાર બનાવવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કેટલાક ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લીલતા દર્શાવવામાં આવી રહી છે અને તેના નિયમન માટે કેન્દ્રે યોગ્ય માળખું તૈયાર કરવું જોઈએ. આ ઉપરાંત કેન્દ્ર સરકારને પોતાની ગાઈડલાઈન રજૂ કરવા પણ ટકોર કરી હતી.

(સંકેત)