Site icon Revoi.in

કોરોના વેક્સિન સ્પુતનિક-5ને ભારતમાં મળી શકે છે મંજૂરી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા ખાતે બનેલી કોરોના વેક્સિન સ્પુતનિક-5ને ભારતમાં મંજૂરી મળી શકે છે.

ફાર્મા ક્ષેત્રની કંપની ડૉ. રેડ્ડીઝ લેબને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળે તેવી આશા છે. ડો. રેડ્ડીઝના સીઇઓ દીપક સાપરાએ સ્પુતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીઝે રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી.

દીપક સાપરાના કહેવા પ્રમાણે આગામી થોડા સપ્તાહમાં મંજૂરી મળી જશે તેવી આશા છે. આ વેક્સિનના બે ડોઝ લેવાના રહેશે. પહેલો ડોઝ લીધાના 21મા દિવસે બીજો ડોઝ લેવાનો રહેશે. વેક્સિન લીધાના 28મા અને 42મા દિવસની વચ્ચે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 68,020 નવા કેસ સામે આવ્યા હતા જે આ વર્ષે પ્રતિદિન સામે આવતો સૌથી ઉંચો આંકડો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 1.20 કરોડથી વધારે થઈ ગયા છે.

(સંકેત)