Site icon Revoi.in

ભારતમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવાની અત્યારે કોઇ દરખાસ્ત નથી: નાણાં મંત્રાલય

Social Share

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ચૂક્યું છે ત્યારે સરકાર ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને મોટો નિર્ણય લેવા તૈયાર છે. તમામ ક્રિપ્ટોકરન્સી પરના બિલ પૂર્વે સરકારે ક્રિપ્ટોકરન્સી પ્રત્યેનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, હાલમાં ભારતમાં બિટકોઇનને ચલણ તરીકે માન્યતા આપવાની કોઇ તૈયારી નથી.

નાણા મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને વોલ્યુમ અંગેનો ડેટા એકત્રિત કરતી નથી. નાણાં મંત્રાલયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ભારત સરકાર બિટકોઇન ટ્રાન્ઝેક્શન પર ડેટા એકત્ર કરતી નથી.

મોદી સરકારે બિટકોઈન સહિતની ડિજિટલ કરન્સી પર કાયદો બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરે તેવી શક્યતા છે જે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો અને આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણના નિયમન માટે એક માળખું બનાવવાના માર્ગે પ્રથમ ડગલું હશે.

ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ 2021 સંસદના શિયાળુ સત્ર દરમિયાન નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં ‘લિસ્ટેડ’ છે. આ પ્રસ્તાવિત બિલ ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માંગે છે.