Site icon Revoi.in

દેશમાં મોટા વીજ સંકટના ભણકારા, માત્ર 4 દિવસ બાદ છવાઇ શકે છે અંધારપટ

Social Share

નવી દિલ્હી: આગામી થોડા દિવસમાં દેશમાં વીજ સંકટ ઉપસ્થિત થવાના ભણાકારા છે. તમારું ઘર પણ પાવર કટની ઝપેટમાં આવી શકે છે. તેનું કારણ એ છે કે દેશમાં કોલસાનું સંકટ તોળાઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં ફક્ત 4 દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો છે. ભારતમાં વીજ ઉત્પાદન માટે કોલસાનો સૌથી વધુ વપરાશ થાય છે. ઉર્જા મંત્રાલય અનુસાર કોલસા પર આધારીત વીજ ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાની અછત છે.

આપને જણાવી દઇએ કે દેશમાં 70 ટકા વીજ ઉત્પાદન કેન્દ્ર કોલસા પર આધારિત છે. કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 72ની પાસે કોલસાનો 3 દિવસથી પણ ઓછો સ્ટોક છે. જ્યારે 50 પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો 4 થી લઇને 10 દિવસ સુધીનો જ સ્ટોક બચ્યો છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ તેની પાછળનું એક મોટું કારણ ઉત્પાદન અને તેની આયાતમાં આવી રહેલી સમસ્યા છે. ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનમાં કમી આવી છે. તેના ભાવ વધ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યા છે જેના કારણે આવનારા સમયમાં દેશની અંદર વીજળી સંકટ પેદા થઈ શકે છે.

વીજળીની અછત પાછળ કેટલાક કારણો છે જેમાં દેશમાં વીજળીનો ઉપયોગ ખૂબ થયો છે. હજુ પણ પહેલાની તુલનાએ વીજળીની માગણી ખૂબ વધી છે. ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2019માં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વીજળીનો કુલ વપરાશ 10 હજાર 660 કરોડ યુનિટ પ્રતિ માસ હતો. આ આંકડો 2021માં વધીને 12 હજાર 420 કરોડ યુનિટ પ્રતિ માસ પર પહોંચી ગયો છે.

વીજળીની આ જરૂરિયાત પૂરી કરવા માટે કોલસાનો વપરાશ વધ્યો.  2021ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કોલસાનો વપરાશ 2019ની સરખામણીએ 18 ટકા સુધી વધ્યો છે. ભારત પાસે 300 અબજ ટનનો કોલસા ભંડાર છે. પરંતુ આમ છતાં મોટી માત્રામાં કોલસાની આયાત ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોથી કરે છે.