Site icon Revoi.in

અવકાશ ક્ષેત્રના સંરક્ષણ માટે પણ ભારતે સર્વેલન્સ ક્ષમતા મજબૂત કરવી આવશ્યક: NSA અજીત ડોભાલ

Social Share

આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગનો પ્રસંગ આયોજીત કરાયો હતો. પીએમ મોદીએ તેનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા અને અવકાશની સુરક્ષા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે, ભારતે તેની વ્યાપારી રીતે ઉપલબ્ધ સ્વેદશી ઉપગ્રહ સંચાર ઉકેલો તેમજ અવકાશ ક્ષેત્રે સંપત્તિના સંરક્ષણ માટે તેની ક્ષમતાને વધુ મજબૂત કરવી પડશે.

રાષ્ટ્રીય શક્તિ અંગે વાત કરતા NSA અજીત ડોભાલે કહ્યું હતું કે, ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ તેમજ વિકસિત અર્થતંત્ર રાષ્ટ્રીય શક્તિના સૌથી મહત્વના તત્વો છે. સરકારો હવે રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસ માટે નીતિઓ વિકસિત કરવામાં એકમાત્ર હિસ્સેદાર બની શકે નહીં. ખાનગી ક્ષેત્ર પણ રાષ્ટ્ર નિર્માણમાં સમાન ભાગીદાર છે.

અવકાશ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પર પ્રકાશ પાડતા તેઓએ આ ક્ષેત્રને પણ ખાનગી ક્ષેત્ર માટે ખોલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સ્પેસ સેક્ટરમાં ખાનગી રોકાણથી રોજગારીનું સર્જન સુનિશ્વિત થવા ઉપરાંત ટેક્નોલોજીનો ઉપયોગ પણ વધુ સરળ બનશે અને સંયુક્ત સાહસો દ્વારા વિદેશી ભાગીદારોની ભાગીદારી સુનિશ્વિત કરશે.

ભારતે વ્યાપારી રીતે ઉપલબ્ધ સ્વદેશી ઉપગ્રહ સંચાર ઉકેલો, ભાવિની તકનિકીઓમાં સંશોધન અને વિકાસ, ભૌગોલિક ક્ષેત્રોમાં સર્વેલન્સ ક્ષમતા તેમજ અવકાશ સંપત્તિની સુરક્ષા જેવા ઘણા ક્ષેત્રોમાં તેમની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે.