Site icon Revoi.in

પીએમ મોદીના જન્મદિવસે વેક્સિનેશનનો રેકોર્ડ, 2 કરોડથી વધુ લોકોને અપાઇ કોરોના વેક્સિન

Social Share

નવી દિલ્હી: આજે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેગા રસીકરણ કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બર, બપોરે 1.30 વાગ્યા સુધીમાં, દેશભરમાં રસીકરણનો આંક 1 કરોડને પાર કરી ગયો હતો. બપોરે 2.30 સુધીમાં, આ આંકડો 2 કરોડને પાર થઇ ગયો છે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે આ દિવસને સેવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પાર્ટી વતી કહેવામાં આવ્યું હતું કે, આ દિવસે દેશભરમાં મેગા રસીકરણનો વિશેષ કાર્યક્રમ ચલાવાશે.

ભાજપે આ મેગા રસીકરણ માટે 6 લાખથી વધુ સ્વયંસેવકોની સેના તૈયાર કરી છે, જે લોકોને વેક્સિન અભિયાનમાં જોડાવા માટે મદદ કરી રહ્યા હતા. આ સ્વયંસેવકો લોકોને વેક્સિનેશન માટેની લાઇનમાં પહોંચવામાં તેમજ તમને અનુકૂળ રીતે રસી અપાવવામાં મદદ કરી રહ્યા છે. તેને વિશ્વનો સૌથી મોટો સ્વયંસેવક કાર્યક્રમ ગણાવવામાં આવી રહ્યો છે. ભાજપે એક દિવસમાં 1.5 કરોડ રસીકરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ભાજપ 2014 થી પીએમ મોદીનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવી રહ્યો છે. જો કે, આ વખતે પાર્ટીએ આ દિવસે રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી છે, જે સફળ જણાય છે. કોવિન એપ મુજબ, બપોરે 1.30 વાગ્યા સુધી 1,00,71,776 લોકોને રસી આપવામાં આવી છે, જે એક દિવસમાં આપવામાં આવતી સૌથી મોટી રસી છે.

2014થી અત્યાર સુધી, દર વર્ષે ભારતીય જનતા પાર્ટી એક સપ્તાહને સેવા દિવસ તરીકે મનાવતી હતી પરંતુ આ વખતે સમય વધારીને 20 દિવસ કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે મોદીના 20 વર્ષના જાહેર જીવનને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ કાર્યક્રમને 20 દિવસ સુધી લંબાવી દીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવારથી 7 ઓક્ટોબર સુધીના 20 દિવસનું ‘સેવા અને સમર્પણ’ અભિયાન ચલાવશે.