Site icon Revoi.in

ISIની ખેડૂત આંદોલન પર નજર, દિલ્હી પોલીસ એલર્ટ પર, 3 મેટ્રો સ્ટેશન રહેશે બંધ

Social Share

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 7 મહિનાથી નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના દેખાવો અને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે હવે આ ખેડૂત આંદોલન પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની નજર પડવા લાગી છે. ISIના એજન્ટ ખેડૂત આંદોલનની આડશમાં હિંસા ભડકાવી શકે છે તેવી આશંકા છે. ગુપ્તચર એજન્સીઓએ આ સંદર્ભે દિલ્હી પોલીસ સહિત અન્ય સંસ્થાઓને એલર્ટ પાઠવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીએ દિલ્હી પોલીસ અને CISFને સતર્ક રહેવા માટે કહ્યું છે. આજે જ્યારે ખેડૂતો પ્રદર્શન કરવાના છે ત્યારે ISIના એજન્ટ તેમાં તૈનાત જવાનો વિરુદ્વ હિંસા ભડકાવી શકે છે. દિલ્હી પોલીસને આ મામલે પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને તેને સંદર્ભે દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે.

સુરક્ષા માટેની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે અને શનિવારે અમુક કલાકો માટે કેટલાક મેટ્રો સ્ટેશન પણ બંધ રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે દિલ્હી મેટ્રો કોર્પોરેશને શનિવારે સવારે 10:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી 3 મેટ્રો સ્ટેશન વિશ્વવિદ્યાલય, સિવિલ લાઈન્સ અને વિધાનસભાને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસની સલાહ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, દિલ્હીના સરહદ વિસ્તારોમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાં કેટલાક અન્ય જૂથો પણ સામેલ થાય તેવી સંભાવના છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સંગઠનોને આંદોલન પૂરુ કરવા માટે વિનંતી કરી હતી.