Site icon Revoi.in

જમ્મૂ ડ્રોન હુમલામાં મોટો ઘટસ્ફોટ: હુમલા પાછળ હાફિઝ સઇદ અને ISIનો હતો હાથ

Social Share

નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલામાં મોટો ઘટસ્ફોટ થયો છે અને કેટલાક ચોંકાવનાર ખુલાસાઓ થયા છે. આ ડ્રોન હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાકિસ્તાનથી જ ડ્રોન આવ્યા હોવાની આશંકા પણ પ્રબળ છે. આ માટે મકવાલ બોર્ડરને રૂટ બનાવવામાં આવેલી.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, 27 જૂનના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવેલું. તેના પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઇદ અને ISIનો હાથ છે. આ હુમલાનું કારસ્તાન લશ્કરના અન્ય સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રંટએ ઘડ્યું હતું. TRF જ આ પ્રકારના હુમલાઓને અંજામ આપવા માટે કારસ્તાન ઘડે છે.

ડ્રોન સાથે પેલોડ થઇને આવતો સામાન રિમોટ વડે ફેંકવામાં આવે છે. તેના નીચે એક ધારદાર કટર લાગેલુ હોય છે. જે કમાન્ડ આપવા પર પેલોડ કરવામાં આવેલી વસ્તુને કાપીને નીચે ફેંકી દે છે.

વાયુસેના સ્ટેશન પર થયેલા હુમલામાં નરવાલ ક્ષેત્રમાંથી પકડવામાં આવેલા TRFના આતંકી નદીમ ઉલ હકનો હાથ હોવાની શંકા છે. નદીમ પાસેથી મળી આવેલો 5 કિલો IEDનો જથ્થો જમ્મૂમાં જ આપવામાં આવ્યો હતો. નદીમ તે IED વિવિધ લોકેશન પર લગાવીને વિસ્ફોટ કરવાનો હતો પરંતુ તે પહેલા જ પકડાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વાયુસેના સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ કરનારી એનઆઈએની ટીમ ટૂંક સમયમાં જ નદીમની પુછપરછ કરી શકે છે અને નદીમ આ હુમલા અંગે જાણકારી આપશે તેમ લાગી રહ્યું છે. આ હુમલા પાછળ લશ્કરના નવા સંગઠન ટીઆરએફનો હાથ દર્શાવાઈ રહ્યો છે તથા નદીમ ટીઆરએફ માટે કામ કરે છે.