Site icon Revoi.in

દેશની 14 CPSEને 75 % મૂડીખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા કેન્દ્રનો આદેશ

Social Share

નવી દિલ્હી: દેશમાં આર્થિક વૃદ્વિને બળ મળે તે માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોને ચાલુ વર્ષના મૂડીખર્ચના 75 ટકા ખર્ચનો લક્ષ્યાંક ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાનો આદેશ કર્યો છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોલસા અને પેટ્રોલિયમ-નેચરલ ગેસ વિભાગના સચિવો તથા 14 CPSEના ચેરમેન તેમજ મેનેજીંગ ડિરેક્ટર્સ સાથે વર્ચ્યૂઅલ મીટિંગ યોજી હતી અને ત્યારબાદ આ આદેશ કર્યો હતો. આપને જણાવી દઇએ કે દેશના અર્થતંત્રને કોરોના સંકટમાંથી ઉગારવા માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ચોથી વાર વિવિધ વિભાગો સાથે બેઠક કરી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસીસની કામગીરીની સમીક્ષા કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે CPSE દ્વારા મૂડીખર્ચ આર્થિક વૃદ્વિ માટે ખૂબ જ મહત્વનો છે અને આ કંપનીઓને વર્ષ 2020-21 અને 2021-22 માટેના મૂડીખર્ચમાં વધારો કરવો જોઇએ અને તેનો ઝડપી અમલ પણ કરવો આવશ્યક છે.

બેઠક દરમિયાન નાણામંત્રીએ સચિવોને CPSEની કામગીરી પર નજર રાખવા અને ચાલુ વર્ષના મૂડીખર્ચનો 75 ટકા લક્ષ્યાંક ડિસેમ્બર સુધી પૂરો થઇ જાય તે સુનિશ્વિત કરવાનો આદેશ કર્યો છે. 14 CPSEએ વર્ષ 2019-20માં 1,11,672 કરોડના મૂડીખર્ચનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેની સામે 1,16,323 કરોડનો મૂડીખર્ચ થયો હતો.

(સંકેત)