Site icon Revoi.in

આજે ભારતને વધુ 3 લડાકૂ વિમાન રાફેલ મળશે

Social Share

નવી દિલ્હી: ભારતની વાયુસેના વધુ શક્તિશાળી બનશે. ભારતને બુધવારે વધુ 3 રાફેલ લડાકૂ વિમાન મળશે જે અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે. આ લડાકૂ જેટ ફ્રાંસથી ઉડાન ભરશે અને યુએઇ તેમને રસ્તામાં આકાશમાં જ ઇંધણ ભરી આપવાની સુવિધા આપશે. આ વિમાનો સાંજે 7 કલાકે ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ ભારત પાસે રાફેલ વિમાનોની સંખ્યા 14 થઇ જશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી એપ્રિલ મહિનામાં વધુ 9 રાફેલ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થશે. જે પૈકીના 5 પશ્વિમ બંગાળના હશિમારા એરબેઝ ખાતે તૈનાત કરાશે. ભારતમાં ફ્રાંસના રાજદૂત ઇમૈનુએલ લેનિને મંગળવારે એપ્રિલના અંત સુધીમાં વધુ 5 રાફેલ જેટ ભારતને મળશે તેમ જણાવ્યું હતું.

આધુનિક તકનીકોથી સજ્જ આ વિમાનોને ગત વર્ષે જુલાઈ-ઓગષ્ટ મહિનામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. વિમાનોને પૂર્વીય લદ્દાખ અને અન્ય મોર્ચે ચીન સામે સજ્જ કરવામાં આવ્યા છે.

ભારતે 2016માં ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદવા સોદો કર્યો હતો. તે પૈકીના 50 ટકા વિમાનો એપ્રિલના અંત સુધીમાં ભારતને મળી જશે. આધુનિક સુવિધાથી સજ્જ રાફેલ ત્રણેય મોરચે લડવા માટે સક્ષમ છે.

(સંકેત)