Site icon Revoi.in

વિષમ પરિસ્થિતિમાં જ આત્મબળની પરીક્ષા થાય છે – પ્રોફેસર સચ્ચિદાનંદ જોશી

Social Share

નવી દિલ્હી: રામ નવમીના પર્વ પર ભારતીય શિક્ષણ મંડળના 52માં સ્થાપના દિવસ નિમિત્તે ડિજીટલ પ્લેટફોર્મ મારફતે આયોજીત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરતા પ્રોફેસર સચ્ચિદાનંદ જોશીએ કહ્યું કે, વિષમ પરિસ્થિતિઓમાં જ મનુષ્યના આત્મબળની પરીક્ષા થાય છે. આપણે પડકારોથી ડર્યા વગર તેનો સ્વીકાર કરીને આગળ વધવા માટે પ્રયત્નશીલ થવું જોઇએ.

પ્રોફેસર જોષીએ આગળ કહ્યું હતું કે પૂર્ણ મનોયોગથી કરવામાં આવેલો પ્રયત્ન આપણને સફળતાના માર્ગ તરફ દોરી જાય છે. આજે આપણે સૌ એક એવા પડકારનો સામનો કરી રહ્યા છે, જેની સામે માત્ર સંયમ અને સંગઠિત થઇને જ તેને હરાવી શકાય છે. પડકારો હરહંમેશ આપણને કંઇક નવું શીખવે છે. રચનાત્મકતા, સંચાર, સંયમ, કરુણા, સહયોગ, ધ્યાન, સાહસ જેવા ગુણોથી આપણે અસંભવને પણ સંભવ કરી શકીએ છીએ. આજે આ સંકટકાળમાં આપણે સૌએ એકબીજાનો હાથ પકડીને આગળ વધવાની આવશ્યક્તા છે. રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના માત્રથી આપણે ભારતને સુદૃઢ બનાવી શકીએ છીએ.

આ અવસર પર ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય સંગઠન મંત્રી મુકુલ કાનિટકરે કહ્યું કે આત્મીય સંબંધ જ એક આદર્શ સમાજની ઓળખ છે જે ભારતીય સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરે છે. સંપર્ક તથા સંવાદથી સંબંધોમાં આત્મીયતાને રોપી શકાય છે પણ સાથોસાથ આજની આ વિષમ પરિસ્થિતિમાં આ એક સંજીવની જેવું કાર્ય કરે છે. એક સશક્ત સંવાદ આપણને સંગઠિત અને એકજુટ થઇને આગળ વધવામાં મદદરૂપ બને છે.

રામનવમીના અવસર પર ભારતીય શિક્ષણ મંડળની સ્થાપનાને રેખાંકિત કરતા તેમણે ઉમેર્યું હતું કે રામનું જીવન આપણને કોઇપણ પડકારોથી લડવાનો માર્ગ દેખાડે છે, સાથે જ સંગઠન અને સંવાદની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ સ્પષ્ટ કરે છે. રામે વિપરિત પરિસ્થિતિઓમાં પણ ધૈર્યનો સાથ ક્યારેય છોડ્યો ન હતો.

તેઓએ રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલીકરણમાં ભારતીય શિક્ષણ મંડળ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ આગળ કહ્યું કે આજે સંચારના માધ્યમોમાં વધારો થયો છે પરંતુ સંવાદનો અવકાશ ઘટ્યો છે. ભારતીય દર્શનમાં સશક્ત સંવાદને સંગઠન માટે સંપૂર્ણપણે આવશ્યક બતાવતા તેઓએ કહ્યું કે તેનાથી સમાજને એક સૂત્રમાં પરોવવાનો માર્ગ વધુ મોકળો બનશે તથા રાષ્ટ્ર નિર્માણમાં એકતાનું મહત્વ પણ પ્રતિબિંબિત થશે. કાર્યક્રમનું સંચાલન ભારતીય શિક્ષણ મંડળના મહામંત્રી ઉમાશંકર પચૌરીએ કર્યું હતું. ભારતીય શિક્ષણ મંડળના સ્થાપના દિવસના અવસરે આયોજીત ઑનલાઇન કાર્યક્રમમાં દેશભરમાંથી 10,000 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

(સંકેત)