Site icon Revoi.in

અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને અપાઇ રસી, માત્ર 600 લોકોને આડઅસર

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સામેની લડાઇમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે. કોરોના વેક્સિનેશનના પહેલા ચરણનો આજે છઠ્ઠો દિવસ છે અને અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. આ દરમિયાન એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે અત્યારસુધી દેશમાં લગભગ 600 લોકોમાં તેની આડઅસર જોવા મળી છે.

કોરોના વેક્સિનેશન બાદ થઇ રહેલી આડઅસર પર વાત કરતાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે હકીકત આ જ છે કે વેક્સિન બિલકુલ સુરક્ષિત અને પ્રભાવી છે. અત્યારસુધી જે પણ આડઅસરના મામલા સામે આવ્યા છે, તે સામાન્ય છે. વેક્સિનેશન શરૂ થયા પહેલા જ કેટલીક આડઅસર વિશે લોકોને અવગત કરાયા હતા. કોઇપણ વેક્સિનેશનમાં આવું થાય છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે કોરોનાને જો મૂળથી નાબૂદ કરવો હશે તો વેક્સિન લેવી આવશ્યક છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો રાજકીય ફાયદો ઉઠાવવા માટે વેક્સિનેશનને લઇને ખોટી વાતો ફેલાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેની અસર અનેક સ્થળે જોવા મળી છે અને કેટલાક લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે. સરકાર કોઇના આરોગ્ય સાથે ચેડા નથી કરતી. દરેકને સુરક્ષિત રાખવા એ અમારી જવાબદારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 16 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરી હતી. કોરોના વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે 2,07,229, બીજા દિવસે 17,072, ત્રીજા દિવસે 1,48,266, ચોથા દિવસે 1,77,368 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી.

(સંકેત)