Site icon Revoi.in

ગ્લેશિયર દુર્ઘટનાથી બન્યું કૃત્રિમ તળાવ, નોતરી શકે છે આફત, જળપ્રવાહ પર બાજનજર

Social Share

ઉત્તરાખંડ: થોડાક સમય પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તુટવાની દુર્ઘટના ઘટી હતી અને તેનાથી મોટી તારાજી સર્જાઇ હતી. ગ્લેશિયર તૂટવાના કારણે ઉચ્ચ હિમાલયના વિસ્તારમાં 14,000 ફૂટ પર કૃત્રિમ સરોવર સર્જાયું છે. ઉત્તરાખંડના જળપ્રલય પછી ઋષિગંગા નદીમાં કાટમાળના કારણે જે કૃત્રિમ તળાવ બન્યું હતું તે આફત નોતરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કૃત્રિમ સરોવરથી તાત્કાલિક કોઇ ખતરો છે કે કેમ તેના પર SDRFના જવાનો ઋષિગંગા નદીના જળપ્રવાહ પર નજર રાખી રહ્યાં છે.

જોશીમઠના રેણી ગામમાં આવેલી ભયાનક આફત પછી બચાવ અભિયાન તો ચાલુ જ છે. તો ઋષિગંગા વેલીમાં બનેલા કૃત્રિમ સરોવરને લઈને પણ સરકાર અને વૈજ્ઞાનિકો વચ્ચે મંથન ચાલુ છે. જોકે, વૈજ્ઞાનિકોએ પહેલાથી જ એ વાત સ્પષ્ટ કરી છે કે, હાલ સરોવરમાંથી પાણી વહી રહ્યું છે. પરંતુ ભવિષ્યનું જોખમ જોતાં રાજ્ય સરકાર આ સરોવરને સત્વરે ખાલી કરાવવાનું વિચારી રહી છે. આ ઉપરાંત રેણી ગામમાં થયેલા નુકસાનનો પણ તાગ મેળવવામાં આવી રહ્યો છે.

તે ઉપરાંત અહીંયા ટીમ પાણીનું જોખમ કેટલું છે તે પણ તપાસી રહી છે. ITBPની ટીમ આ તળાવના પાણીને ખાલી કરવા માટે જહેમત ઉઠાવી રહી છે. ઇન્ડો-તિબેટિયમ બોર્ડર પોલીસ ટીમ પણ ડીઆરડીઓ સાથે સંકલન કરીને સર્જાયેલા આ કૃત્રિમ તળાવ અંગે માહિતી મેળવી રહ્યું છે. સમગ્ર ટીમે બેઝ કેમ્પ પર લગાડ્યો છે અને પૂરતી તૈયારી સાથેના હેલિપેડ પણ બનાવવામાં લાગ્યું છે. જેથી કરીને ઓપરેશન હાથ ધરી શકાય.

થોડા સમય પહેલા ઉપગ્રહની તસવીરોથી પુષ્ટિ થઈ હતી કે ઋષિગંગા નદીના વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ સર્જાયું છે. જે પછી તાત્કાલીક SDRFની ટીમ સર્વેક્ષણ કરવા માટે પહોંચી હતી. જ્યાં તેને ખબર પડી કે આ તળાવમાંથી પાણી વહી રહ્યું છે. જેથી તાત્કાલિક તો કોઈ ખતરો નથી પરંતુ કોઈ અન્ય દુર્ઘટના ન સર્જાય તે માટે SDRFના જવાનો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.

(સંકેત)