Site icon Revoi.in

આસામ વિધાનસભા ચૂંટણી 2021: એનઆરસીમાં નામ ના હોય તેવા આસામી પણ કરી શકશે મતદાન

Social Share

ગુવાહાટી: ચૂંટણી પંચ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. હવે 2021માં થનારી આસામ વિધાનસભાની ચૂંટણીમાં આસામમાં પ્રગટ થયેલી એનઆરસીની યાદીમાં જેમનાં નામ નહોતાં એવા લોકો પણ મતદાન કરી શકશે.

એનઆરસીમાં નામ નહોતા એવા લોકો વિશે સિટિઝન ટ્રાઇબ્યુનલ પોતાનો ચુકાદો ના આપે ત્યાં સુધી તેમનો મતાધિકાર સુરક્ષિત છે એવો અભિપ્રાય ચૂંટણી પંચ ધરાવતું હતું.

વર્ષ 2019ના ઑગસ્ટની 31મીએ આસામમાં એનઆરસીની યાદી બહાર પડી હતી. એમાં ઓછામાં ઓછા 19 લાખ લોકોના નામ નહોતાં. એ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરાઇ હતી. હાલ સિટિઝન ટ્રાઇબ્યુનલ આ લોકોના કેસ હાથ ધરી રહી હતી. સિટિઝન ટ્રાઇબ્યુનલનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ લોકો પોતાના મતાધિકારને ભોગવી શકે છે એવો મત ચૂંટણી પંચે વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે એનઆરસી લાવવા પાછળ સરકારનો હેતુ એવો હતો કે 1971 પછી આસામમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓને હાંકી કાઢી શકાય. આસામના ઘણા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે કે સ્થાનિક પ્રજા લઘુમતીમાં મૂકાઇ ગઇ છે અને બાંગ્લાદેશીઓ બહુમતીમાં આવી ગયા છે.

(સંકેત)